ડીસાઃ બનાસકાંઠાના ડીસા તાલુકાના એક શિક્ષક ખેડૂત બ્રિસન કચ્છવા બટાકાની ખેતી કરે છે. આ ખેડૂતે વર્તમાન સમયની માંગ અને ખેતીમાં અનુકૂળતા માટે નેધરલેન્ડનું પ્લાન્ટર મશિન વસાવ્યું છે. આ મશિનથી ખેડૂતને વાવણી કરવામાં ઓછો સમય અને મજૂરી લાગે છે તેમજ ચોક્સાઈ પૂર્વક વાવણી પણ થાય છે. આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો આ મશિન વિષયક માહિતી લેવા અને કામગીરી જોવા સ્પેશિયલ આ ખેડૂતની મુલાકાત લઈ રહ્યા છે.
નેધરલેન્ડનું પ્લાન્ટર મશિનઃડીસાના બી.કોમ. સુધી અભ્યાસ કરેલ બ્રિસન કચ્છવાએ બટાકાની પરંપરાગત ખેતીમાં ઈનોવેશન કરવાનું વિચાર્યુ. તેમણે નેધરલેન્ડની મુલાકાત દરમિયાન જર્મન ટેકનોલોજીથી સજ્જ વાવણી માટેનું મશિન જોયું. આ મશિનની વિશિષ્ટતાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ મશિન તેમણે ભારત મંગાવી લીધું હતું. આ મશિનના ઉપયોગથી ઓછા સમયમાં વધુ વિસ્તારમાં વાવણી કરી શકાય છે. જેથી ખેડૂતના સમય અને મજૂરોને ચૂકવવામાં આવતી મજૂરીમાં ખૂબ જ બચત થાય છે. આ મશિનની એકયુરસી 99 ટકા છે. તેથી જ્યાં સીડ રોપવાના હોય ત્યાં જ મશિન સીડની વાવણી કરે છે. તેમજ જેટલા પ્રમાણમાં જ્યાં ખાતર નાંખવાનું હોય ત્યાં જ મશીન ખાતરનો છંટકાવ કરે છે. તેથી સીડ્સ અને ખાતરનો યોગ્ય ઉપયોગ અને બચાવ થાય છે. જેનાથી ખેડૂતોને સીધો આર્થિક લાભ પણ થાય છે. આ મશીનમાં સીડ અને ખાતરની કેપેસિટી સેટ કરી શકાય છે. આ મશીનથી એક દિવસમાં 10 એકર જેટલી વાવણી કરી શકાય છે. અગાઉ વાવણીમાં 3 દિવસનો સમય લાગતો હતો તે કામ હવે માત્ર એક કે દોઢ દિવસમાં પૂરુ થઈ જાય છે.