- એટા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન મળતા ગામજનો ધરણા પર
- બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં પાણીની સમસ્યા
- પાણીની સમસ્યાનો નિકાલ કરવાની અધિકારીઓએ બાંહેધરી આપતા ગ્રામજનો નરમ પડ્યા
- પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
બનાસકાંઠા : જિલ્લામાં આમ તો દર ઉનાળાના સમય સરહદી વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા રહેતી હોય છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતા જ લોકો પાણીની શોધમાં નીકળી પડતા હોય છે. ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં સૌથી વધુ પાણીની મોટી સમસ્યા જોવા મળે છે પરંતુ હવે શિયાળામાં પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી લોકો પાણીની મોટી સમસ્યાનો સામનો કરતાં આવ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા દૂર થાય તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.
એટા ગામમાં પાણી ન મળતા ગામજનો ગામ પંચાયતમાં ધરણા પર
હજુ તો ઉનાળા ની શરૂઆત પણ થઈ નથી. ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારો ના ગામડાઓમાં પાણીની સમસ્યા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ધાનેરા તાલુકાના કેટલા એટા ગામમાં પણ લોકો પાણી ની સમસ્યા થી ત્રસ્ત છે. ગામમાં બનાવેલો બોર પાણી ના તળ ઊંડા જતાં ફેલ થઈ ગયો છે જેના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામજનો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. અત્યાર સુધી ગામજનો આજુબાજુનાં ખેતરોમાંથી પાણી લાવતા હતા અને તેના માટે સરપંચ સહિત ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હતી. તાલુકા પંચાયતમાં પણ નવીન બોર માટેની માગણી કરી હતી પરંતુ દરખાસ્ત નામંજૂર થતાં ગ્રામજનોની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆત બાદ પણ પાણી ની કોઈજ વ્યવસ્થા ન થતા કંટાળેલા ગામજનો આજે ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.