- ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ
- 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ
- વેપારી વિભાગની 6 બેઠકો બિનહરીફ
- 1,892 મતદારોએ મતદાન કર્યું
બનાસકાંઠામાં ધાનેરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ
બનાસકાંઠાઃ શુક્રવારે ધાનેરા માર્કેટયાર્ડમાં 10 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણીમાં 16 બેઠકો માટે મતદાન થવાનું હતું, પરંતુ વેપારી વિભાગની 6 બેઠકો બિનહરીફ થતાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની યોજાયેલી ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ હતી. આ 10 બેઠકોના 18 ઉમેદવારો માટે 1,892 મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માર્કેટયાર્ડમાં બનાવેલા 5 મતદાન કેન્દ્રો ઉપર પહોંચી મતદાન કર્યું હતું.
ધાનેરા માર્કેટયાર્ડમાં ગત કેટલાય વર્ષોથી વિકાસ પેનલ સત્તારૂઢ
ધાનેરા માર્કેટયાર્ડમાં ગત કેટલાય વર્ષોથી વિકાસ પેનલ સત્તારૂઢ છે અને શુક્રવારે માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન હોવાથી વિકાસ પેનલ દ્વારા તમામ બેઠકો ઉપર તેમનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. જો કે, આ વખતે વિકાસ પેનલના સામે ઉભી રહેલી પરિવર્તન પેનલ પણ પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરી છે.
જીત માટે બન્ને પક્ષે મતદાન કરાવ્યું
શુક્રવારે માર્કેટયાર્ડની ચૂંટણી હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે આવી પહોંચ્યા હતા. જો કે, તમામ 18 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થઈ જશે અને પરિણામ બાદ જ ખબર પડશે કે વિકાસ પેનલ ફરીથી સત્તા પ્રાપ્ત કરે છે કે પછી પરિવર્તનનો પવન ફૂંકાય છે.