ડીસાઃ સમગ્ર ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી ડુપ્લીકેટ વસ્તુ પકડાય એટલે સમજી લેવું કે તેના છેડા ડીસા સુધી પહોંચતા જ હોય. ડીસા શહેરમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનું વર્ષોથી ડુપ્લીકેટ થાય છે. ખાસ કરીને ડીસા શહેરમાં ઘી, તેલનું સૌથી વધુ ડુપ્લિકેટિંગ થાય છે. ફૂડ વિભાગ દ્વારા ડીસામાં અનેકવાર દરોડા પાડવામાં આવ્યા છે અને ડુપ્લિકેટીંગ કરતા શખ્સો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગના દરોડા, લાખો રૂપિયાનું ડુપ્લીકેટ ઘી પકડાયું - Duplicate ghee was seized during a raid
બનાસકાંઠાના ડીસામાં શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘી બનાવતી શંકાસ્પદ ફેકટરીમાં દરોડા પાડયા હતા અને વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ લઇ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
ડીસાના લોકોને જાણે અધિકારીઓની કંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. ડીસામાંથી ફરી એકવાર નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલી શ્રી વીર માર્કેટિંગ નામની ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા હતા. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ નકલી ઘી જણાતા શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા.
શ્રી વેજ ફેટ, સંગમ, સમ્રાટ, શિવમ અને સંસાર બ્રાન્ડ નામના પેકિંગમાંથી સેમ્પલ લઇ ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે. જ્યારે 26 લાખ રૂપિયાની કિંમતનો 11952 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાથી અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.