દાંતીવાડાઃ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય ડેમો પાણી વગર તળિયાઝાટક બન્યાં હતાં. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં જળસંકટની સમસ્યા સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ જે મોંઘાદાટ બિયારણો લાવી વરસાદ વગર વાવેતર કર્યું હતું તેને લઈ ચિંતામાં મુકાયાં હતાં. પરંતુ મોડેમોડે શરૂ થયેલાં વરસાદના કારણે હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
માઉન્ટ આબુમાં પડી રહેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ
છેલ્લાં બે દિવસથી રાજસ્થાનમાં પડી રહેલાં ભારે વરસાદના કારણે હાલ બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગની નદીઓ સજીવન થઈ છે. જેના કારણે હાલ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.
હાલમાં પડી રહેલા વરસાદથી ક્યાંક ખેડૂતોના પાકને જીવનદાન મળી રહ્યું છે તો ક્યાંક ખેડૂતોને વરસાદી પાણી ભરાવાના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં મોડેમોડે પણ વરસાદ શરૂ થયો છે. અને છેલ્લા એક અઠવાડિયાથી સારો વરસાદ થતાં હવે બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઇ ગઇ છે. આમ તો બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો તળિયાઝાટક થઇ ગયા હતા. પરંતુ રાજસ્થાનના માઉન્ટ આબુ સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને માઉન્ટમાં તો ત્રણ દિવસ દરમિયાન 28 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાવાસીઓ હરખાયા છે. દાંતીવાડા ડેમની અંદર માત્ર દોઢ ટકા જેટલું જ પાણી હતું. ત્યારે ડેમમાં નવું સાત ફૂટ જેટલું પાણી આવ્યું છે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અત્યારે 5600 ક્યુસેક પાણીની આવક ચાલુ છે , જેથી આ ડેમમાં પાણીની સપાટી 531થી વધી 539 ફૂટ જેટલી થઈ છે. બનાસકાંઠા જિલ્લા માટે દાંતીવાડા ડેમ જીવાદોરી સમાન છે અને આ ડેમમાં જેટલું વધુ પાણી આવે તેટલો જ વધુ ફાયદો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને થાય છે તયારે બનાસકાંઠા જિલ્લાના લોકો હવે આ ડેમ જલ્દી ભરાય તેવી આશા રાખી રહ્યાં છે.