અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભરાતા 7 દિવસીય ભાદરવી પૂનમના મેળામાં 25થી 30 લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ સરકાર દ્વારા કોરોના સંક્રમણને લઈ ચાલુ વર્ષે મેળો રદ્દ કરવામાં આવ્યો છે.
જ્યારે દર વર્ષે અંબાજીની બજાર લાલ ધજા પતાકાઓ સાથે ‘બોલમાડી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠતી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે અંબાજીની બજારોમાં સન્નાટો છવાયો છે. દર વર્ષે મેળામાં હજારો વેપારીઓ બહારથી વેપાર કરવા આવી કમાણી કરતા હતા, ત્યારે આ વર્ષે એક પણ દુકાન જોવા મળતી નથી. અંબાજીમાં 7 દિવસના ભાદરવી પૂનમના મેળામાં વેપારીઓ 12 મહિનાની કમાણી કરી લેતા હોય છે, પણ આ વર્ષે વેપારીઓ જાણે ખાલી હાથ બેઠા છે અને લાખો રૂપિયાનો વેપાર આ વર્ષે નહીં કરી શકે.
અંબાજીમાં ભાદરવી મેળો રદ થતાં વેપારીઓની હાલત કફોડી
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ‘જય અંબે’નો સાદ નહીં ગુંજે, કોરોના સકંટને લઇ અંબાજી મંદિર પરિસરમાં સન્નાટો
ભાદરવી પૂનમ બાદ આવતી નવરાત્રિ માટે લોકો ચણીયા ચોળીની ખરીદી આ મેળા દરમિયાન કરી લેતા હોય છે, પણ આ વખતે ચણીયા ચોળીના વેપારીઓ પણ વેપાર કર્યા વગર બેઠા છે. મેળામાં સૌથી વધુ રમકડાઓનો વેપાર થતો હોય છે અને હોલસેલના વેપારીઓ 60થી 70 લાખના રમકડાં વેચી નાખતા હોય છે, પણ મેળો બંધ રહેતા રમકડાંના ગોડાઉન પણ ખાલી પડેલા જોવા મળી રહ્યાં છે.
અંબાજીમાં 60થી 70 હોટલ ગેસ્ટહાઉસ સહિત 200 ઉપરાંત ધર્મશાળાઓ આવેલી છે. જે મેળા દરમિયાન હાઉસફુલ રહેતી હોય છે, પરંતુ આજે આ તમામ હોટલ અને ગેસ્ટહાઉસ ખાલી પડ્યા છે, ત્યારે સંચાલકો મેળો રદ્દ થતા વિજબીલમાં તેમજ ટેક્સમાં રાહતની માંગ કરી રહ્યાં છે. લોકડાઉન બાદ હવે ભાદરવી મેળો પણ બંધ રહેવાને કારણે અંબાજીના વેપારીઓની કમર ભાગી ગઇ છે. વેપાર ધંધા પર માઠી અસર પરડતા વેપારી વર્ગોની હાલત કફોડી બની છે.