બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. દર વર્ષે ઉનાળાના કપરા તાપમાં લોકો પીવાના પાણી માટે 3 દિવસ સુધી રાહ જોવી પડે છે. તેમ છતાં પાણી મળ્યું તો મળ્યુંની સ્થિતિ સર્જાય છે.
વાવ તાલુકો રણને અડીને આવેલો વિસ્તાર છે. અહીં તળના પાણી ખારા છે. જેથી સરકાર દ્વારા નાખાયેલી પાઇપલાઇન દ્વારા છેક છેવાડે સુધી પાણી પહોંચાડવામાં આવે છે, ત્યારે એક બાજુ ગરમીનો કહેર દરમિયાન બે દિવસથી વાવ તાલુકાના ગામડાઓમાં પાણી બંધ છે.
સરહદી વિસ્તારમાં નથી મળતું પીવાનું પાણી વાવ તાલુકો કેટલીય પ્રકારની મુસીબતોનો સામનો કરી રહ્યું છે. ત્યારે મીડિયા સમક્ષ કિરણસિંહ રાજપુતે જણાવ્યા હતું કે, જવાબદાર અધિકારીઓની સાથે ટેલિફોનિક વાત કરતા તેમને બે દિવસથી વીજળીની સમસ્યા હોવાનું જણાવ્યું છે.
આ બાબતે લોકો સાથે વાત કરતા તેમને પોતાની મનોવ્યથા ઠાલવતા એવું કહ્યું હતું કે, અમે જાણે છેવાડાના વિસ્તારમાં જન્મ લઈને મોટો ગુનો કર્યો હોય એવું લાગી રહ્યું છે. અમારા વિસ્તારમાં કેનાલના પાણીના ધાંધિયા છે, તો ક્યાક એસ.ટી. બસોના ધાંધિયા, આવા તો કેટલાય ધાંધિયા અમારા વિસ્તારમાં છે. અમે કેવી રીતે જીવન ગાળીએ છીએ એ તો એસીમાં બેસવા વાળા અધિકારીઓને કદાચ ક્યારેય ખબર નહીં પડે. એસી ચેમ્બરમાં બેસવા વાળા ખાલી પાંચ દિવસ આ વિસ્તારમાં રહી બતાવે, તો તેમને સમજાશે કે અહીંના લોકો કેવું જીવન જીવે છે.