- ડીસાના ડોક્ટરે લગ્ન વર્ષગાંઠની કરી અનોખી ઉજવણી
- ડો. વિશાલ ઠક્કરની સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી
- બનાસકાંઠા જિલ્લામાં ડોક્ટરો કરી રહ્યા છે અનોખી સેવા
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના વાઇરસ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેના કારણે, અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક દર્દીઓ કોરોના વાઇરસના લપેટામાં આવ્યા છે. ત્યારે, ડીસાની વાત કરવામાં આવે તો, આવા કપરા સમયમાં ડીસાની તમામ હોસ્પિટલના ડોક્ટરો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. કોરોના વાઇરસની બીજી લહેર ચાલુ થયાને ગુરૂવારે એક મહિના જેટલો સમય થઈ ગયો છે. ત્યારે, ખરેખર આવા સમયે સેવા આપતા આ તમામ ડોક્ટરોને કોરોના વોરિયર્સ કહી શકાય તેમ છે.
આ પણ વાંચો:ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના તમામ વોર્ડને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
20 દિવસથી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની કરી રહ્યા છે સારવાર
કોરોના મહામારીના સમયમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક ડોક્ટર્સ, નર્સ સહિતના લોકો કોરોના વોરિયર્સ તરીકે દિવસ-રાત કામ કરી રહ્યા છે. જેમાં, ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબ ડો. વિશાલ ઠક્કર જેઓ છેલ્લા 20 દિવસથી તેમની હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સતત સારવાર કરી રહ્યા છે. પોતાના પરિવારને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે 20 દિવસથી પોતાના માતા-પિતા, પત્ની અને બાળકોથી દૂર હોસ્પિટલમાં રહે છે. એટલું જ નહીં પરંતુ, તેમની હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકો હોસ્પિટલમાં જ રહે છે.