- બનાસકાંઠામાં કોરોનાથી વકરતી પરિસ્થિતિ કાબૂમાં લેવા તંત્ર સજ્જ
- ડીસામાં 3 જુદા જુદા સ્થળોએ કુલ 200 બેડની સુવિધા ઉભી કરાશે
- કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ત્રણેય સ્થળોની મુલાકાત લીધી
ડીસા: કાબૂ બહાર જઈ રહેલી કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લાનું તંત્ર સજ્જ થયું છે. જિલ્લામાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ મોટાભાગના બેડ ભરાઈ ગયા હોવાથી તંત્ર દ્વારા 3 હોસ્પિટલોમાં કુલ 200 બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે. આ સ્થળોએ તાત્કાલિક ધોરણે આ સુવિધાઓ મળવાની શરૂ થાય તે માટે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરિક્ષણ કરીને કામગીરીની માહિતી મેળવી હતી.
ડીસામાં કોરોનાની સારવાર માટે 3 સ્થળોએ કુલ 200 બેડ તૈયાર કરાશે, કલેક્ટરે લીધી સ્થળ મુલાકાત આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓના ઓક્સિજન માટે ધારાસભ્યએ આપ્યું દાન
ક્યાં કેટલા બેડ વધારવામાં આવશે ?
હાલમાં ડીસા સહિત સમગ્ર જિલ્લામાં કોરોના સારવાર માટે બેડની અછત છે. જેને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં 50 બેડ, ડીસા નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમમાં 100 બેડ તેમજ જનતા હોસ્પિટલમાં 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. આ તમામ બેડમાં ઓક્સિજન સપ્લાય પણ આપવામાં આવશે.
આ પણ વાંચો:પાલનપુરની બેંક ઓફ બરોડામાં એક સાથે 5 કર્મચારીઓને કોરોના
જિલ્લામાં ઓક્સિજનની અછતથી 10 દર્દીઓના સારવાર દરમિયાન મોત
કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રાણવાયુ ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી. ત્રણેક દિવસ અગાઉ જિલ્લાના પાલનપુર અને ડીસાની હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 10 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાની માહિતી મળી છે.