બનાસકાંઠાઃ કોરોના વાઇરસની મહામારીને લઈ સમગ્ર ભારતભરમાં દરેક તહેવારોની ઉજવણીમાં તેની અસર જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા લોકોનું સંક્રમણ વધે નહીં તે માટે દરેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં પણ પ્રતિબંધ મુકવામાં આવતા લોકોએ ગરબા યોજયા ન હતા અને અલગ પ્રકારે કોરોના વાયરસની મહામારી નાબૂદ થાય તે માટે ગજાનંદ ગણેશજીની આરાધના કરી હતી.
ડીસામાં ગણેશ ઉત્સવમાં પ્રસાદ રૂપે સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ
ડીસા શહેરમાં નવાવાસ ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણપતિ ઉત્સવમાં સેનેટાઈઝર અને માસ્કનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજિત ત્રણ હજારથી વધુ માસ્ક અને સેનેટાઈઝર મંદિર પર આવતા ભક્તોને આપવામાં આવ્યા હતા.
ડીસા શહેરના નવાવાસ વિસ્તારમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર પર દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન ભારે ઝાકમજોળ વચ્ચે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના લીધે ડીસાના આ પ્રસિદ્ધ ગણપતિ મંદિર પર થતી ઉજવણીમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. આ મંદિર ખાતે રવિવારના રોજ કોરોના વાઈરસ વચ્ચે લોકો સુરક્ષિત રહે તે માટે ગજાનનના પ્રસાદ તરીકે સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પણ સેનેટાઈજર અને માસ્કના પ્રસાદનો લાભ લીધો હતો.
આ મંદિર ખાતે અંદાજિત ત્રણ હજાર કરતા પણ વધારે સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરાયું હતું. મંદિરના આયોજકો દ્વારા દર વર્ષે મંદિર ખાતે કરવામાં આવતા આયોજનને બદલે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને દેશ સહિત સમગ્ર દુનિયા કોરોના વાઇરસથી મુક્ત થાય તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.