બનાસકાંઠાઃ જિલ્લામાં બટેકાનું વાવેતર કરતાં ખેડૂતોના માથે હવે સુકારાનું સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા છ મહિનાથી સતત વાતાવરણમાં થતા બદલાવના કારણે તો કેટલીક જગ્યાએ ઠાર અને કમોસમી માવઠાને કારણે બટેકાનું વાવેતર કરતા ખેડૂતો, હવે નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે. વારંવાર વાદળછાયુ વાતાવરણ અને કમોસમી માવઠાની અસરના કારણે હવે બટેકાના છોડ સુકારા નામના રોગના કારણે સુકાઈ ગયા છે. જે ખેતરો અઠવાડિયા અગાઉ લીલાછમ દેખાઈ રહ્યા હતા. આ છોડ હવે સુકાભઠ્ઠ બની ગયા છે.
ડીસામાં સુકારાના રોગથી ખેડૂતોને બટાકાનાં પાકમાં નુકસાન - બટેકા
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત હજૂ પણ કોપાયમાન હોય તેવી પરિસ્થિતિ બની રહી છે. અત્યાર સુધી અનેક કુદરતી સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો હવે સુકારા નામના સંકટથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. સુકારા રોગના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતોના મોમા આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.
અચાનક આવેલા સુકારા નામના રોગના કારણે બટેકાના છોડ સુકાઈ ગયા છે. તેની સીધી અસર બટેકાના ઉત્પાદન પર પડી રહી છે, જ્યારે બટેકાના વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે પણ માવઠું થતા વાવેતર થયેલા વિસ્તારમાં બટેકાના કાપા જમીનમાં જ સડી ગયા હતા. તે સમયે પણ અહીંના ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, જો કે, ખેડૂતોએ ફરી ઉછીના વ્યાજે નાણાં લાવી મહા મુસીબતે ફરી વાવેતર કર્યું હતું. તેમાં પણ હવે જ્યારે બટેકાનો પાક તૈયાર થઈ ગયો હતો. તેવા જ સમયે સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો પણ કુદરત છીનવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 65 હજાર હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે. વળી સતત 5 વર્ષની મંદી બાદ આ વખતે શરૂઆતથી જ બટાકાના ભાવ સારા હોવાના કારણે ખેડૂતોના ચહેરા ખુશીથી છલકાઈ રહી હતી. જો કે, કુદરતને ખેડૂતોની આ ખુશી રાસના આવી અને ડીસા અને દાંતીવાડા પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં જ સુકારા નામના રોગે ખેડૂતોની ખુશી પર પાણી ફેરવી દીધું છે. આ પંથકમાં અંદાજે દસ હજાર હેક્ટર જમીનમાં સુકારા નામના રોગે ખેડૂતોને મુસીબતમાં મૂકી દીધા છે. સુકારો રોગ દેખાતા જ ખેડૂતોએ દવાઓનો છંટકાવ પણ શરૂ કર્યો હતો. તેમ છતાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવી શક્યા નથી.