- ડીસાની જી જી વિદ્યા સંકુલ ખાતે પોલીસ જવાનો દ્વારા મોકડ્રિલ યોજાઇ
- બનાસકાંઠા જિલ્લાના 900થી વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા
- પોલીસ જવાનો દ્વારા વિદ્યાર્થીઓને હથિયારોની તાલીમ આપી
બનાસકાંઠાઃ ડીસાના(Deesa) અજાપુરા રોડ પર આવેલ જીજી વિદ્યા સંકુલ મુકામે આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રિલ(Mockdrill) યોજાઈ હતી. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે આપત્તિના સમયે પોતાનો બચાવ કઈ રીતે કરવો તેની જાણકારી મળી રહે તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન પોલીસ સંભારણા દિવસની ઉજવણીના ભાગરૂપે ચામુંડા એકેડમી અને જીજી વિદ્યાસંકુલના સંયુક્ત ઉપક્રમે SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) ગ્રુપ મડાણા જૂથ 3 દ્વારા આપત્તિના સમયે કઈ બચાવ કામગીરી કરવાથી જાનહાની ટાળી શકાય તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
900 વિદ્યાર્થીઓએ તાલીમ લીધી
આજે મોટાભાગના યુવક-યુવતીઓ દેશની રક્ષા કરવા માટે પોલીસ અને આર્મીની ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અત્યારે 900થી વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રની રક્ષા માટે તૈયાર થઈ રહ્યા છે. જેમાં જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓને આપત્તિના સમયે હથિયારનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવી હતી. તે ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ આ તાલીમ કેમ્પમાં આવી પોલીસ જવાનો પાસેથી હથિયારોની માહિતી મેળવી હતી અને આજની તાલીમ ઉપયોગી થશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.