- થરાદ પોલીસે પત્ની સહિત 3 આરોપીની કરી અટકાયત
- થરાદમાં થોડા દિવસ અગાઉ યુવાનની થઈ હતી હત્યા
- પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો
- હત્યાનો મુખ્ય આરોપી ફરાર
બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લા બે-ત્રણ મહિનાથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ક્યાંક પૈસાની લેતીદેતીમાં હત્યા થઇ રહી છે, તો ક્યાંક પ્રેમમાં અંધ બની પ્રેમીને સાથે રાખી હત્યાની ગુનાહિત ઘટનાઓને અંજામ આપતી ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં વધારો થવાને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
હત્યા કેસના 4 આરોપીઓની અટકાયત, એક ફરાર થરાદમાં થોડા દિવસ અગાઉ યુવાનની થઈ હતી હત્યા
થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વર્ષ અગાઉ એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, રાજસ્થાનના આહોર તાલુકાના આંબા ગામમાં ભૂદારામ દેવાસી તેમની પત્ની અને બાળકો સાથે જીવન વિતાવતા હતા. તે દરમિયાન તેમની પત્ની લક્ષ્મીને તેમના જ ગામના નરસારામ સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રણય ખીલ્યો હતો અને લક્ષ્મી તેના પતિને છોડી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. 3 વર્ષ બાદ આ બન્ને પ્રેમીઓ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પાસે હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ વારંવાર સુધરી જવાનો ઠપકો આપતા લક્ષ્મીને તેનો પતિ નડતરરૂપ બનતો હતો. જેથી લક્ષ્મીએ નડતરરૂપ બની રહેલા પતિથી મુક્ત થવા તેની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પ્લાન બનાવ્યા મુજબ લક્ષ્મીએ ઘરે આવવાનું જણાવી તેના પતિને દાંતીવાડા પાસે લેવા માટે એકલો બોલાવ્યો હતો. જ્યાં એક ઇકો ગાડીની અંદર ભુદારામની હત્યા માટે લક્ષ્મી તેનો પ્રેમી સહિત 4 લોકો બેઠા હતા અને નરસારામ ગાડીની પાછળ સંતાઈને બેઠો હતો. ભુદારામ આવતા જ તેની ગાડીમાં બેસાડી સંતાઈ રહેલા નરસારામે તેના ફાળીયા વડે ટુંપો આપી હત્યા કરી દીધી હતી. જે બાદ મૃતદેહને પથ્થર સાથે બાંધી કેનાલમાં ફેંકી દીધી હતી. મૃતદેહની ઓળખ કોઈને ન મળે તે માટે તેના ખિસ્સામાંથી તમામ આધારભૂત ડોક્યુમેન્ટ પણ કાઢી લીધા હતા. એટલું જ નહીં પરંતુ લક્ષ્મીએ તેના ઘરે જઈએ તેનો પતિ અમદાવાદ કમાવવા માટે ગયો હોવાનું જણાવ્યું હતું જેથી ભુદારામ ની હત્યા અંગે કોઈને ખ્યાલ ન આવે.
પરણિતા એ જ તેના પ્રેમી વચ્ચે નડતરરૂપ બનેલા પતિને મોતને ઘાટ ઉતારી દીધો થરાદ પોલીસે પત્ની સહિત 3 આરોપીની કરી અટકાયત
થરાદ પોલીસે આ સમગ્ર કેસ અંગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જે બાદ સતત પોલીસની પૂછપરછના આધારે આ સમગ્ર મામલે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. હત્યા કરનારી પત્ની લક્ષ્મી, દેવાસી, પ્રવીણ પટેલ, જીતેન્દ્ર રબારી અને હિતેશ દેસાઈની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય આરોપી નરસારામ મેઘાવળ જે હજુ સુધી ઝડપાયો નથી તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.