ડીસામાં ભરબજારે ભેજાબાજ ગઠિયાઓએ કરી લૂંટ બનાસકાંઠા :ડીસામાં ભરબજારે એક વૃદ્ધ મહિલા સાથે લૂંટનો બનાવ બન્યો છે. બજારમાં ખરીદી કરવા ગયેલા મહિલાને છેતરીને 2 ગઠિયા દાગીના પડાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવનો ભોગ બનેલી મહિલાએ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી.
ભર બજારે દાગીનાની ચોરી : છેતરપીંડીનો ભોગ બનનાર સંજનાબેન દરબારે જણાવ્યું હતું કે તેઓ ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહે છે. તેઓ માલસામાનની ખરીદી કરવા માટે ડીસા ગયા હતા. ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઉતરીને તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બે શખ્સો રસ્તો પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. તે દરમિયાન એક શખ્સે તેમને રુ. 500 ની નોટ સુંઘાડી મહિલાને વિશ્વાસમાં લઈ તેમને પહેરેલા દાગીના ઉતરાવીને સફેદ રૂમાલની થેલીમાં બંધાવી દીધા હતા. બાદમાં મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલની પોટલી બદલી દીધી હતી.
વૃદ્ધાને ભોળવીને દાગીના પડાવ્યા :આ બંને ગઠિયા મહિલાને ચકમો આપી ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તે સમયે મહિલાએ તેનો પીછો કર્યો પણ વધુ દોડી ન શકતા બંને ગઠિયા ત્યાંથી બચીને ફરાર થઈ ગયા હતા. બાદમાં મહિલાએ તેની પાસે રહેલ રૂમાલની પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા. જેથી મહિલા તરત જ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી હતી. બનાવને પગલે મહિલાના પરિવારજનો પણ તરત જ પોલીસ મથકે પહોંચ્યા હતા. આ ઘટના અંગે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેજાબાજ આરોપી ફરાર : મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, બજાર તરફ ચાલતા એક યુવક મળ્યો હતો. તેણે અમદાવાદ તરફનો રસ્તો પૂછી તેમની પાસે રહેલી વસ્તુ રાખવા જણાવ્યું હતું. તેવામાં તરત જ એક બીજો છોકરો આવી ગયો અને તેને મહિલાને કેમ હેરાન કરે છે તેમ કહી મને વિશ્વાસમાં લીધી. ત્યારબાદ યુવકે મને 500 રૂપિયાની નોટ આપી સુંઘાડી અને બંને યુવકો મને ત્યાંથી સિવિલ તરફ લઈ ગયા. તે દરમિયાન રસ્તામાં મારી પાસેથી કડલા સહિતના તમામ દાગીના ઉતરાવી રૂમાલમાં નાખી પોટલી બનાવી હતી.
પોલીસ તપાસ શરૂ :આ અંગે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન PI વી.એમ. ચૌધરીએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એક વૃદ્ધ મહિલા ડીસા બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ તેમને 500 ની નોટ સુંઘાડી હાથમાં પહેરેલું સોનાનું કડુ અને કાનમાં પહેરેલી બુટ્ટી તેમજ કાનની સેર લઈને ફરાર થઈ ગયા છે. તે બાબતની ફરિયાદ વૃદ્ધ મહિલા દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે ડીસા ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- બનાસકાંઠા ક્રાઈમ ન્યૂઝઃ પતિ, પત્ની ઔર વોનો કરુણ અંજામ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી કરપીણ હત્યા
- બનાસકાંઠા ન્યૂઝ: પત્નીએ પોતાના બે ભાઈ સાથે મળીને પતિની ઢીમ ઢાળી દીધું, હત્યા બાદ ખેતરમાં દાટી દીધો મૃતદેહ