એક સમય મુજબ આ શહેર તેની આબોહવા અને બનાસ નદીના કારણે ખૂબ જ પ્રચલિત હતું. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ અહીં પાણી અને શુદ્ધ આબોહવાના કારણે જ લશ્કરી છાવણી સ્થાપી હતી. પરંતુ, સમય વીતી ગયો અને ડીસા નજીકથી પસાર થતી બનાસ નદી સુકાઈ ગઈ. એક સમયે બારેમાસ વહેતી બનાસ નદી કે જેની જાહોજલાલી વિશાળ હતી તે હાલમાં સુકાઈ ગઇ છે અને ડીસા પણ હવે પાણીની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
ડીસામાં માત્ર 33 ટકા વરસાદ જ નોંધાયો, ETV BHARAT ડીસા માટે હવે વરસાદ ખૂબ જ મહત્વનો બની ગયો છે. અને તેમા પણ આ વર્ષની જો વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં ડીસામાં હજુ સુધી સિઝનનો માત્ર 33 ટકા જ વરસાદ નોંધાયો છે. આ ચોમાસા દરમિયાન 257.4 મીલી મીટર જ વરસાદ નોંધાયો છે. જ્યારે, ડીસાના સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં થયેલા વરસાદ પ્રમાણે દર વર્ષે સરેરાશ 766 મિલી મીટર વરસાદ નોંધાયો છે. એટલે કે ડીસામાં અત્યાર સુધીનો વરસાદ માત્ર 33 ટકા જેટલો જ પડ્યો છે અને હજુ પણ ડીસામાં 66 ટકા જેટલા વરસાદની ઘટ વર્તાઇ રહી છે.
ડીસામાં આ વર્ષે રહેલા નબળા ચોમાસાને લઈ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અને તેની સીધી અસર ખેતી પર થઇ શકે તેમ છે. ગત વર્ષે પણ ડીસામાં નહિવત વરસાદ હતો અને આ વર્ષે પણ વરસાદ ખૂબ જ ઓછો થયો છે અને લગભગ 50%થી ઉપર ચોમાસું પણ વીતી ગયું છે અને ચોમાસાનો માત્ર એક જ મહિનો બાકી રહ્યો છે. ત્યારે, હવે આ એક મહિનામાં જ ડીસામાં પૂરતો વરસાદ નહીં થાય તો આગામી સમયમાં પરિસ્થિતિ ખૂબ જ કપરી બને તો તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
ડીસા ઉત્તર ગુજરાતનું વેપારી મથક છે અને તેનો વ્યાપાર ખેડૂતો પર આધારિત છે. ત્યારે, જો આગામી સમયમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. ત્યારે, જો ખેડૂતોને નુક્સાન સહન કરવું પડશે તો તેની અસર વેપાર પર પણ થવાની શક્યતાઓ વેપારીઓ સેવી રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે કે મેઘરાજાની મહેર અત્યારે સમગ્ર ગુજરાત સહિત દેશમાં જોવા મળી રહી છે અને એકમાત્ર ડીસા શહેર વરસાદથી વંચિત છે. ત્યારે, મેઘરાજાની આ મહેર ડીસા પર ક્યારે થશે તેની ડીસા વાસીઓ રાહ જોઈને બેઠા છે.