બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. એક પછી એક કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉન ખુલતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં અનેક ચોરી અને લૂંટની ઘટનાઓ રોજબરોજની સામે આવી રહી છે. ત્યારે ડીસા શહેરમાં પણ લોકડાઉન ખુલતાં જ લોકોના ધંધા રોજગાર પર મોટી અસર જોવા મળી રહી છે. જેના કારણે ધંધા-રોજગાર ન મળતા દિવસેને દિવસે ચોરીઓની મોટી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવા ગુનાઓને અટકાવવા માટે પોલીસ પણ સતર્ક બની હતી અને ડીસા ઉત્તર પોલીસને આવા સમયે એક મોટી સફળતા મળી છે.
બનાસકાંઠામાં ડીસા ઉત્તર પોલીસને ચોરીના ગુનામાં મોટી સફળતા, પોલીસે ચોરી કરતી ગેંગ ઝડપી - ચોર ટોળકીને ડીસાની ઉત્તર પોલીસે ઝડપી
બનાસકાંઠામાં ડીસા ઉત્તર પોલીસને ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. પોલીસે લક્ઝરિયસ ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડતા અનેક ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે.
ડીસાની ઉત્તર પોલીસ મથકની પોલીસે ચોરી કરવા નીકળેળી એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. જે ગેંગ માત્ર ને માત્ર લક્ઝરિયસ ગાડીઓની ઉઠાંતરી કરતી હતી. આ ચોર ગેંગ અત્યાર સુધી ફોર્ચ્યુનર, ઇનોવા,સ્કોર્પિયો કે હોન્ડા સીટી જેવી 20 લાખથી વધુની કિંમતની ગાડી ચોરી કરતી હતી. જ્યારે ડીસામાં શિવનગર વિસ્તારમાં પોલીસ વાહન ચેકિંગમાં હતી, તે સમયે એક ચોરીની ગાડી સાથે શખ્સો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે નાકાબંધી કરી તે દરમ્યાન હરિયાણા પાસિંગની સ્વીફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેને ઉભી રખાવી પોલીસે તપાસ કરતા તેમાંથી ગાડી ચોરી માટેની સાધન સામગ્રી મળી આવી હતી. જેથી પોલીસે ગાડીમાં બેઠેલા ફિરોઝખાન , ક્રિષ્ના હરિરામ વિશ્નોઈ અને સુભાષની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આ ગેંગે અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી અનેક લકઝરીયસ ગાડીઓની ઉઠાંતરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અને ચોરી કરેલી ગાડીઓ ક્યાં વેચી છે, તે માટેની તપાસ હાથ ધરી છે.