ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓની સમસ્યા નગરજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. શહેરોમાં રખડતા પશુઓની સમસ્યા એ આજની સમસ્યા નથી. આ સમસ્યા ઘણા સમયથી છે. રખડતા પશુઓના લીધે સમસ્યા ખુબ જ પેચીદી બની ગઈ છે. આ પશુઓના લીધે સર્જાઈ રહેલા અકસ્માતોમાં ઘણીવાર નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવે છે.
ડીસામાં રખડતા ઢોરની સમસ્યા યથાવત - બનાસકાંઠા
બનાસકાંઠાઃ જિલ્લો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. ટ્રાફિકની સમસ્યા હોય, રસ્તાની સમસ્યા હોય કે પછી રખડતા પશુઓની, વહીવટી તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ, બનાસકાંઠાને સમસ્યામાંથી મુક્ત બનાવવામાં આજ સુધી સફળ થયું નથી.
ડીસામાં હાલ એક પણ માર્ગ એવો નહીં હોય કે ત્યાંથી પસાર થતાં બાળકો મહિલાઓ કે કોઈપણ વ્યક્તિ પશુઓની સમસ્યાથી પીડાતા ન હોય શહેરના નાના મોટા માર્ગની વાત તો દૂર રહી પણ શહેરના મુખ્ય માર્ગો પણ એક-બે નહીં પરંતુ 200-300 પશુઓના ટોળા એક સાથે અડીંગો જમાવીને બેઠા હોય છે અને આ માર્ગ પરથી સાંજના સમયે નીકળવું પણ વાહનચાલકો અને રાહદરીઓ માટે મુશ્કેલી ભર્યું થઈ જાય છે. ખાસ કરીને મહિલાઓ અને શાળાએ જતા બાળકો ડરીને માર્ગ પરથી પસાર થતા હોય છે. ડીસા નગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, ત્યારબાદ ઢોર પકડવાની કામગીરી કરે છે અને બીજા દિવસે ઢોરની જે સે થે જ પરિસ્થિતિ હોય છે.
રખડતા ઢોરોની સમસ્યાથી પીડાતા શહેરીજનોને મુક્ત કરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પંદર દિવસ અગાઉ જાહેરનામું બહાર પાડ્યું હતું અને નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરીટીને સાત દિવસમાં જ આ સમસ્યાથી લોકોને કઈ રીતે મુક્ત કરવા તે માટે એક્શન પ્લાન ઘડવા માટે હુકમ કરાયો હતો. પરંતુ આ વાતને પણ પંદર દિવસ જેટલો સમય વીતવા છતાં પણ હજુ સુધી જિલ્લાનો એક પણ માર્ગ રખડતા ઢોરોની સમસ્યા થી મુક્ત થયો નથી. તેવામાં ડીસા ખાતે એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા અને હાઇવે ઓથોરિટી સામે સી આર પી સી (કલમ)133 મુજબ એચ.એમ.પટેલ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડીસાની કોર્ટમાં દાખલ કરવામાં આવી, ત્યારબાદ ડીસા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં નગરપાલિકાના સત્તાધીશો અને હાઇવે ઓથોરિટી સાથે એક બેઠક યોજાઇ હતી અને તેમાં રખડતા ઢોરોની સમસ્યાથી શહેરીજનોને મુક્ત કરવા માટે નિર્ણય લેવાનો હતો, પરંતુ બેઠક બાદ પણ લોકોને રખડતા ઢોરોની સમસ્યાથી કઈ રીતે મુક્ત કરવા તે અંગે તંત્ર કઈ પણ વિચારી શક્યું નથી.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યા ખુબજ વધી ગઇ છે અને તેના માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી આ સમસ્યાથી લોકોને મુક્ત કરવા માટે હુકમ કર્યો હતો, પરંતુ તે હુકમને પણ નગરપાલિકા અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘોળીને પી ગયા છે અને હજુ સુધી એક પણ રખડતા ઢોરની સમસ્યાથી મુક્ત કરાવી શક્યા નથી, ત્યારે હવે રખડતા ઢોરોની સમસ્યાથી ડીસા વાસીઓ ક્યારે મુક્ત થશે તે જોવું રહ્યું.