ડીસા ભાજપમાં જૂથવાદ યથાવત ? બનાસકાંઠા : ડીસા નગરપાલિકામાં ભાજપમાં ભારે જુથવાદ ચાલી રહ્યો છે. જેમાં અગાઉ બે જૂથ વચ્ચેની સ્પર્ધામાં ચાર દિવસ અગાઉ પાર્ટીએ પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેને મેન્ડેડ આપતા વિરોધી જૂથ નારાજ થયું હતું. ત્યારબાદ નગરપાલિકા ઉપપ્રમુખ સહિત 12 ભાજપના અને 2 અપક્ષ સહિત કુલ 14 સભ્યો તરત જ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે તે સમયે જિલ્લા પ્રમુખ સહિત આગેવાનોએ સભ્યોને સમજાવતા મામલો શાંત પડ્યો હતો. પરંતુ પાર્ટીએ ત્યારબાદ કોઈ જ સંતોષકારક કાર્યવાહી ન કરતા ફરી આજે નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળતા ફરી જૂથવાદ જોવા મળ્યો હતો.
નવનિયુક્ત પ્રમુખની તાજપોશી : આજરોજ 12.39 ના વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવેએ ચાર્જ સંભાળ્યો હતો. જેમાં માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો અને શુભેચ્છકોએ હાજરી આપી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.
14 સભ્યો ગેરહાજર : ઉલ્લેખનિય છે કે, વિરોધી જૂથના અનેક સભ્યો પ્રમુખની તાજપોશી કાર્યક્રમમાં દેખાયા ન હતા. જેમાં ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર, કારોબારી ચેરમેન ગોવિંદભાઈ માખીજા સહિત લગભગ 14 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ મામલે ડીસાના પ્રભારી ઉષાબેન જોશીએ પણ જણાવ્યું હતું કે, સભ્યોએ અસંતોષ ન રાખવો જોઈએ અને જ્યારે પાર્ટીએ નિર્ણય લીધો છે, ત્યારે તમામ લોકોએ તેને વધાવી લેવો જોઈએ.
શહેરની પ્રગતિ અને વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. અમુક સભ્યો કોઈ કારણોસર હાજર રહી શક્યા નથી. પરંતુ એવું કંઈ જ નથી બધા સાથે જ છીએ. -- સંગીતાબેન દવે (પ્રમુખ, ડીસા નગરપાલિકા)
નવનિયુક્ત પ્રમુખનું નિવેદન : આ બાબતે ડીસા નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરની પ્રગતિ અને વિકાસના કામોને પ્રાધાન્ય આપશે. જ્યારે તેમને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે ઉપપ્રમુખ સહિત બીજા સભ્યો કેમ ગેરહાજર રહ્યા છે ? ત્યારે તેમને જવાબમાં જણાવ્યું હતું કે, જ્યારે સભ્યો કોઈ કારણોસર હાજર રહી શક્યા નથી પરંતુ એવું કંઈ જ નથી બધા સાથે જ છીએ.
- New office bearers in municipalities : બનાસકાંઠાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ, કોણ સત્તાના સૂત્રો સંભાળશે જૂઓ
- Banaskantha News : ડીસા નગરપાલિકાની વૉર્ડ 9 પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું, 25 વર્ષ પછી લડશે ચૂંટણી