બનાસકાંઠા: જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઇડ લાઇન અનુસાર, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અંબાજી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, અંબાજીમાં સગર્ભા મહિલાની ડિલીવરી જેવા ઈમરજન્સી સમયે પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવા માટે ગાડીને રોકાવી સમય વેડફવામાં આવતા સગર્ભાને સારવાર મળે તે પહેલાં જ નવજાત બાળકીનું મૃત્યુ થયુ હતું. જેવા પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરી અંબાજી પોલીસ મથકમાં વિરોધ કર્યો હતો. પરિવારજનોએ નવજાત બાળકીના મૃતદેહને પી.એસ.ઓના ટેબલ પર મુકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોબાળો મચાવ્યો હતો.
આ ઘટનાને લઈ સગર્ભા મહિલાના દિયરે જણાવ્યું હતું કે, તેમના ભાભીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓ ગાડીમાં હોસ્પિટલ ખાતે લઈ જવા માટે નીકળ્યા હતાં. તે દરમિયાન સ્થાનિક હોસ્પિટલમાંથી પાલનપુર લઇ જવા માટે જણાવવામાં આવતાં પાલનપુર સાથે લઈ જવા માટે નીકળ્યા હતાં. અંબાજી ડી.કે.સર્કલ નજીક બે પોલીસ કર્મીઓ દ્વારા તેમની ગાડીને રોકાવી માસ્ક ન હોવાને કારણે ગાડીને રોકાવી હતી, ત્યારે અંબાજી પોલીસ મથકના બે પોલીસકર્મીઓ દ્વારા સગર્ભા મહિલાની ગાડીને રોકી સમયનો વેડફાટ કરવામાં આવતા મહિલા સમયસર ડિલીવરી માટે ન પહોંચી શકી. જેથી નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.