ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડામાં બાજરીના પાકમાં નુકશાન, સરકાર પાસે મદદની આશ - effect of tauktae in gujarat

ખેડૂતો માટે તૌકતે વાવાઝોડું પડતાં પર પાટુ જેવું બની ગયું છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની તો બાજરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. જેને લઇને ખેડૂતોએ સરકાર પાસે મદદની મીટ માંડી છે.

તૌકતે વાવાજોડામાં બાજરીના પાકમાં નુકશાન, સરકાર પાસે મદદની આશ
તૌકતે વાવાજોડામાં બાજરીના પાકમાં નુકશાન, સરકાર પાસે મદદની આશ

By

Published : May 19, 2021, 4:54 PM IST

  • તૌકતે વાવાઝોડાએ કર્યું બાજરીના પાકમાં નુકશાન
  • બનાસકાંઠામાં બાજરીનો પાક થયો નુકસાનગ્રસ્ત
  • આ વર્ષે ઉનાળામાં 1.66 લાખ હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર થયું હતું
  • સરકાર પાસે ખેડૂતોએ કરી સહાયની માગ

ડીસાઃ તૌકતે વાવાઝોડાની અસરથી બનાસકાંઠા જિલ્લો પણ બાકાત નથી રહ્યો. મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ બનાસકાંઠા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોને ઘમરોળી નાખ્યો હતો. ભારે પવનના કારણે અનેક જગ્યાએ બાજરીના પાક ઢળી પડતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં મકાન પર રહેલાં પતરા પણ ઉડી ગયાં છે. ખાસ કરીને ડીસા-પાલનપુર અને અમીરગઢ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પવનના કારણે બાજરીનો તૈયાર થયેલો પાક ઢળી પડ્યો હતો.

ખેતરોમાં તૈયાર પાક વાવાઝોડામાં નુકસાન પામ્યો

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના અસરથી કચ્છના બાગાયતી પાકને ભારે નુકસાન

સતત બીજું વર્ષ બગડતાં ખેડૂતો ચિંતામાં

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે અને ગત મોડી રાત્રે આવેલા ભારે પવન અને વરસાદના કારણે બાજરીનું વાવેતર કરેલા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે ખેડૂતોને અનેકગણું નુકસાન થયું હતું. આ વર્ષે બિયારણ અને ખાતરના ભાવ પણ ડબલ થઈ ગયા છે, તેવામાં મોંઘાદાટ બિયારણ અને ખાતર લાવીને ખેડૂતોએ દિવસરાત મજૂરી કરી બાજરીનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ હવે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો વાવાઝોડાના કારણે છીનવાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન

સરકાર પાસે સહાયની માગ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે અને આ વર્ષે ઉનાળામાં 1.66 લાખ હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ વાવેતર ડીસા, અમીરગઢ પંથકમાં કર્યુ હતું. ત્યારે ગત મોડી રાત્રિએ આવેલા વાવાઝોડાના કારણે બાજરીનો પાક ધરાશાયી થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેને લઇ સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની માગ છે.

ABOUT THE AUTHOR

...view details