પાલનપુર : વાત જાણે એમ હતી કે ગઢ પોલીસ હદમાં આવેલ સરીપડા ગામમાં રહેતાં અને બેંગ્લોર આર્મીમાં ફરજ બજાવતાં આકાશભાઇ દિનેશભાઇ કોઇટીયાના આજે લગ્ન ફેરા હતાં. વરરાજાના માતાપિતા હયાત ન હોઈ મોટી સંખ્યામાં સગા સબંધીઓ જાનમાં હાજરી આપવા આવ્યાં હતાં. જેમાં જાન નજીકના સૂંઢા ગામે જવાની હતી. પોતાના લગ્ન હોઈ શિક્ષિત આર્મીમેન વરરાજાએ ઘોડે ચઢી, જાનૈયાઓ સાથે બેન્ડ બાજા સાથે જાન લઈ નીકળ્યાં હતાં. જોકે સરીપડા ગામે આજે ૨૧મી સદીના વિકસિત યુગમાં પણ દલિતોને ગામમાં ઘોડે ચઢવા પર પ્રતિબંધ છે. જેથી ગામના ઠાકોર કોમના લોકોએ વરરાજાને ઘોડે ચઢેલાં જોઈ, તેમને રોકી બબાલ કરી હતી.
પાલનપુરના સરીપડા ગામે દલિત વરરાજા ઘોડે ચઢતાં પથ્થરમારો થયો, 3 ઘાયલ - એફઆઈઆર
પાલનપુરના સરીપડા ગામે દલિત આર્મીમેનને ઘોડે ચઢવાનુ ભારે પડ્યું હતું.ગામના ઠાકોર સમાજના લોકોએ વરરાજાની ઘોડેસવારીનો વિરોધ જતાવતાં જાન પર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે મામલો ગરમાયો હતો. જોકે બાદમાં દલિત સમાજના જાનૈયાઓની જાન પોલીસ પ્રોટકશન સાથે માંડવે પહોંચી હતી. દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલાં એક વૃદ્ધ સહિત બે જણને સારવાર માટે ખસેડાયાં હતાં.
જોકે આર્મીમાં રહેલ શિક્ષિત એવા વરરાજા આકાશભાઇ કોઇટીયાએ ઘોડેથી ઉતરવાની ના પાડતા ગામના 50થી વધુના ટોળાંએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરી શાંતિભંગ કરતા અફડાતફડી મચી હતી. ગામમાં વર્ષોથી દલિત વરરાજાઓને ઘોડે ચઢી જાન લઈ જવાની પ્રથા બંધ કરાયેલ છેં. અસામાજિક લોકોએ આર્મીમેન આકાશભાઈની જાન પર પથ્થરમારો કર્યો તેમાં અનેક લોકોને માથાના ભાગે ઈજાઓ થઈ હતી.
જ્યારે બીજીતરફ મામલો બીચકતો જોઈ ગઢ પોલીસે ડીસા, પાલનપુરનીં પોલીસકુમક બોલાવી હતી અને વરરાજા તેમ જ જાનૈયાઓને પ્રોટકશન પૂરું પાડી સૂંઢા ગામ સુધી રક્ષણ પૂરું પાડતા વરરાજાએ ફેરા ફરી લગ્ન સમ્પન્ન કર્યા હતાં. જોકે પથ્થરમારામાં વૃદ્ધ સહિત ત્રણ લોકોને ઇજાઓ થતાં તેઓેને 108 મારફતે પાલનપુર સારવાર અર્થે ખસેડ્યાં હતાં..જ્યારે ગઢ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરીપડા ગામે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે પોતાના પિતાને પથ્થરમારામાં ઇજા થતાં પુત્રે રોષવ્યક્ત કર્યો હતો
ગઢ પોલીસ મથકની હદના આ બનાવમાં હજુ સુધી કોઈ પક્ષ ફરિયાદ આપવા આવ્યો નથી. જેથી FIR નોંધી નથી. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરીપડા ગામે બે PSI, તેમ જ 16 પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ મોડમાં બંદોબસ્તમાં રખાયાં છેં. જે બાદ મોડી સાંજે 16 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે...