બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી ટૂંક સમયમાં યોજાનારી છે. જેમાં સત્તા મેળવાવા માટે સત્તાધીશો હવે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બનાસડેરીમાં અત્યારે ચેરમેન તરીકે શંકર ચૌધરી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે માવજી દેસાઈ કામગીરી કરી રહ્યાં છે. એક સમયે એકબીજાના પૂરક ગણાતા બંને અત્યારે એકબીજાની સામે આવી ગયા છે. અત્યારે માવજી દેસાઈ અને શંકર ચૌધરી બંને એકબીજાનો હરાવવા માટે સામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી રહ્યાં છે.
રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે શંકર ચૌધરી તેમની હરીફ મંડળીઓને અને હરીફ ઉમેદવારોની કટ ઓફ લિસ્ટ કરવા માટે પશુપાલકોનો કચ્ચરઘાણ વાળી રહ્યાં છે. અત્યારે બનાસડેરીમાં શંકર ચૌધરીના સૌથી મોટો વિરોધી જૂથ ગણાતું હોય તો, તે છે માવજી દેસાઈ ગ્રુપ છે.
માવજી દેસાઈ ડીસામાંથી બનાસ ડેરીના ડિરેક્ટર પદની ચૂંટણી લડવાના છે. ત્યારે માવજી દેસાઈ ડિરેક્ટર ન બને તે માટે હવે શંકર ચૌધરી પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી રહ્યાં છે. ડીસામાં બનાસ ડેરીના ડિરેક્ટર માટેના કુલ 130 મત છે. જેમાંથી 65 મત દેસાઈ મંડળીના એટલે કે, દેસાઈ સમાજ પાસે છે. જ્યારે બાકીની 65 મંડળીઓમાં તમામ સમાજના મત આવી જાય છે. આમ જોઈએ તો માવજીને હરાવવા અશક્ય છે, પરંતુ માવજીને પછાડવા માટે હવે શંકર ચૌધરી દેસાઇ ચૂંટણી મંડળીઓને ટાર્ગેટ કરી રહ્યાં છે. માવજીના અંગત અને વિશ્વાસુ ગણાતી મંડળીઓના મત બદલવાની કવાયત હાથ ધરી છે. જેમાં ડીસા તાલુકાના પેપળુ ગામે આવેલી દૂધ મંડળીમાં પણ ત્રણ દિવસ અગાઉ રાજકીય કિન્નાખોરી રાખી કવેરી ઊભી કરવામાં આવી હતી. તપાસ બાદ મંડળીને તાળાં મારી દીધા હતા.