બનાસકાંઠા : ડીસાના ગાયત્રી મંદિર પાસે બની રહેલા પિલ્લર બ્રિજના કામકાજ દરમિયાન બીજીવાર ક્રેન પલટી મારતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ગાયત્રી મંદિર પાસે પિલ્લર બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે ક્રેન પલટી મારતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.
ડીસા શહેરનો વિકાસ વધે તે માટે છેલ્લાં ઘણાં સમયથી ડીસા નગરજનો દ્વારા ડીસામાં પિલ્લર બ્રિજ બનાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. ખાસ કરીને ડીસાના રાજમંદિર સર્કલથી વિશ્વકર્મા મંદિર સુધી રોજના કલાકો સુધી ટ્રાફિક સર્જાતું હતું. જેના કારણે હાઇવે પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને આ નેશનલ હાઈવે પરથી મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થતાં હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડતું હતું. જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં ડીસા શહેરના લોકો દ્વારા વારંવાર પિલ્લર બ્રિજ બનાવવા માટે માંગણી કરવામાં આવતી હતી. જે બાદ કેન્દ્ર સરકાર દ્વારા ડીસા શહેરમાં કાયમી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે નવો પિલ્લર બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ હાલમાં રચના કન્સ્ટ્રક્શન દ્વારા આ પિલ્લરનું પૂરઝડપે કામ કરવામાં આવી રહ્યું છે.