- બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના કેસમાં વધારો
- ડીસા તાલુકાના આસેડા ગામે કોરોના કેસ વધતા શાળામાં હોસ્પિટલ શરૂ કરાઈ
- ગ્રામીણ વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો
બનાસકાંઠા: જિલ્લામાં જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધુ છે. તે પ્રમાણે હાલમાં દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા એક બાદ એક શહેરી વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સામે આવતા હતા, પરંતુ જે બાદ ગ્રામીણ વિસ્તારના લોકો શહેરી વિસ્તારમાં ખરીદી કરવા માટે ઉમટી પડતા હાલમાં ગ્રામીણ વિસ્તારમાં પણ લોકોનું સંક્રમણ વધ્યું છે અને દિવસેને દિવસે કોરોના વાઈરસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને હાલ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે, ત્યાં તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસને લઈને હાલ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડીસા તાલુકાના આસેડા ગામે કોરોનાના કેસ વધતા શાળામાં હોસ્પિટલ શરૂ કરાઈ
આમ તો સરકાર કોરોના મહામારીમાં પૂરતી સુવિધા અને સારવાર આપતી હોવાની વારંવાર વાતો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના આ દ્રશ્યો સરકારના આ તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે. જી હા, આ દ્રશ્યો છે બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામના. આ ગામની જનસંખ્યા અંદાજીત 10 હજાર જેટલી છે, પરંતુ ગામમાં હવે એવું કોઈ ઘર બાકી નહીં હોય કે જેના ઘરે કોરોના એ પગપેસારો ન કર્યો હોય અત્યારે શહેરોમાં તમામ હોસ્પિટલો હાઉસફૂલ છે. દર્દીઓ માટે ખાટલા નથી, ઓક્સિજન નથી અને ઇન્જેક્શન પણ પૂરતા મળતા નથી. જેના કારણે ગ્રામીણ વિસ્તારના દર્દીઓને સારવાર લેવા માટે ક્યાં જવું તે પણ એક મોટી સમસ્યા છે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં રોજેરોજ વધતા કોરોના દર્દીઓ માટે ગ્રામજનો જાતે જ સારવારની વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે.
જ્યાં મળે ત્યાં ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
ડીસા તાલુકાના આસેડા ગામમાં સરપંચ સહિતની યુવા ટીમે સાથે મળી શાળાની અંદર જ સારવાર માટેની સુવિધા ઊભી કરી છે. અત્યારે આ ગામમાં તેમજ આજુબાજુના 15થી 20 જેટલા ગામના લોકો સારવાર કરવામાં માટે આવે છે અને કોરોના દર્દીઓની સંખ્યા એટલી બધી વધી રહી છે કે, આ શાળાના એક એક રૂમમાં સાત- આઠ ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ શાળાના રૂમમાં અને રૂમની બહાર લોબીમાં, મેદાનમાં, જ્યાં મળે ત્યાં ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.