- ડીસા નગરપાલિકા દ્વારા દીપકલા મોલ કરવામાં આવ્યો સીલ
- મોલને સીલ કરતા ફરી એકવાર નગર પાલિકામાં વિવાદ સર્જાયો
- 15 લાખ રૂપિયા ન આપતા મોલ સીલ કરાયો
બનાસકાંઠા:હંમેશા વિવાદોથી ઘેરાયેલી ડીસા નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. જોકે, આ વખતે વિવાદ સત્તાધારી પક્ષ કે વિપક્ષનો નથી, પરંતુ ચીફ ઓફિસર શહીત કર્મચારી મંડળનો છે. ચીફ ઓફિસરે એક ગેરકાયદેસર મોલને સીલ માલવા મામલે 15 લાખ રૂપિયાની લાંચ માગતા ચીફ ઓફિસર સહિત પાંચ કર્મચારીઓ સામે ફરિયાદ થઈ છે.
ચીફ ઓફિસર સહિતની ટીમ મોલને સીલ મારવા માટે સ્થળ પર પહોંચી
ડીસાના જાણીતા ખેડૂત, વેપારી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના અજયભાઈ પઢિયાર ત્રણ હનુમાન મંદિર પાસે બે વર્ષ અગાઉ દીપકલા શોંપિંગ મોલ બનાવ્યો છે. જોકે, આ શોપિંગ મોલ ટીપી રોડ પર ગેરકાયદેસર રીતે બનાવ્યો હોવાનું ડીસા નગરપાલિકાને મોડે-મોડે બે વર્ષ બાદ ખ્યાલ આવતા જ ઘોર નિંદ્રામાંથી જાગેલી ડીસા નગરપાલિકાએ તરત જ મોલના માલીકને ચાર નોટિસ ફટકારી દીધી હતી. તેમ છતાં પણ મોલના માલીકે નોટિસને ધ્યાનમાં ન લેતા આખરે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ મોલને સીલ મારવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને કલાકો સુધી રકઝક બાદ આખરે નગરપાલિકાની ટીમે મોલને સીલ મારી દીધુ હતું.
આ પણ વાંચો:ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
મોલના માલીકે ન્યાય સંકુલમાં નોંધાવી ફરિયાદ
આ સમગ્ર ઘટના બાદ મોલના માલીકે જ્યારે ચીફ ઓફિસરને વિનંતી કરી ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ તેમની પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને જો આ રૂપિયા ન આપવા હોય તો ડીસાના ધારાસભ્ય અથવા તો આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા મોસમબેન સાંખલા સાથે વાત કરાવો તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. આમ નગરપાલિકાના ચીફ ઓફિસરે સીધા જ 15 લાખ રૂપિયાની માગ કરતા મોલના માલિકે કોર્ટમાં ચીફ ઓફિસર સહિત પાંચ કર્મચારીઓ સામે ફરિયાદ કરી છે.
નગરપાલિકા ચીફ ઓફિસરનું નિવેદન
ડીસા નગરપાલિકા દ્વારા ત્રણ હનુમાન રોડ પર આવેલા દીપકલા શોપિંગ સેન્ટરને સીલ કરવામાં આવે છે. જે બાબતે શોપિંગ મોલના માલિકે નગરપાલિકા ચીફ ઓફિસર સહિત 6 લોકો સામે હાલ ન્યાય સંકુલમાં 15 લાખની લાંચની ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે આ શોપિંગ મોલ ગેરકાયદેસર રીતે બન્યો હતો અને અમે કાયદેસરની કાર્યવાહી કરી તેને સીલ કર્યો છે. આ મોલ સીલ કરતા તેના માલિકે અમારી સામે ખોટા આક્ષેપો કર્યા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ આ પણ વાંચો:અમદાવાદમાં CGST ઓફિસરો લાંચ લેતા ઝડપાયા
આ મુદ્દો ડીસામાં ટોપ ઓફ ધી ટાઉન બન્યો
ઉલ્લેખનીય છે કે, ડીસા નગરપાલિકામાં અત્યારે 100થી પણ વધુ શોપિંગ સેન્ટરો ગેરકાયદેસર રીતે બન્યા છે. જેના વિરોધમાં અત્યાર સુધી અનેક અરજીઓ અને ફરિયાદ થયેલી છે. તેમ છતાં પણ ટ્રાફિકને અડચણરૂપ શોપિંગ સેન્ટરો કે ગેરકાયદેસર કોમ્પલેક્ષ હટાવવાના બદલે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈપણ પ્રકારનો અડચણરૂપ નથી તેવા એક વ્યક્તિના શોપિંગ મોલને ટાર્ગેટ કરતા વિવાદ સર્જાયો છે. ત્યારે હવે પરિણામ જે આવે તે પરંતુ અત્યારે તો આ મુદ્દો ડીસામાં ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે.