- ભેમજીભાઈ જાલુજી ઠાકોરે સરકારી જમીનમાં હોટલનો શેડ બનાવ્યો હતો
- આરોપી વર્તમાન જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય પરબતભાઇના ભાઈ અને પૂર્વ સરપંચના પુત્ર છે
- બે વર્ષોથી સરકારની જમીનમાં ચલાવતો હતો હોટેલ
બનાસકાંઠા: રાજ્ય સરકાર દ્વારા નવા બનેલાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ દરેક રાજ્યોમાં જિલ્લા કલેક્ટરને સરકારી જમીનો પર દબાણ કરનારાઓ સામે કાર્યવાહી કરી સરકારી જમીનો ખુલ્લી કરવા આદેશો કરાયા છે. જે હેઠળ બનાસકાંઠામાં પણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આવા વ્યક્તિઓ સામે લાલ આંખ કરી છે.
ચંડીસર રેવન્યુ તલાટીએ ગઢ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે ભેમજીભાઈ જાલુજી ઠાકોર ગામની સર્વે નંબર 985ની સરકારી જમીનમાં વગર મંજૂરીએ અંદાજે 2 હજાર ચોરસ ફૂટ જમીનમાં હોટલનું શેડ બનાવી છેલ્લાં બે વર્ષોથી સરકારી જમીનનો અનઅધિકૃત રીતે બિનખેતી માટે ઉપયોગ કરતાં હતાં. આરોપી ભેમજીભાઈ વર્તમાન જિલ્લા પંચાયત ભાજપના સભ્ય પરબતભાઇના ભાઈ અને પૂર્વ સરપંચના પુત્ર છે.
ઇન્ચાર્જ રેવન્યુ તલાટીએ નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
આ અંગે ઇન્ચાર્જ રેવન્યુ તલાટી જીગલબેન રામજીભાઈ પ્રજાપતિએ ભેમજીભાઈ સામે ગઢ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા અધિનિયમ 2020ની કલમ 4(3),5(સી),6(1),(2) તથા ઇપીકો કલમ 447 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ચંડીસર ગ્રામ પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.