- બનાસકાંઠામાં બિનઅધિકૃત બાંધકામ થતાંં ફરિયાદ
- જે.પી.માર્કેટિંગ કંપનીના વહીવટકર્તાઓ દ્વારા સરકારી જમીનમાં કરાતું હતું બાંધકામ
- પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યાંની અનેક બુમરાડ ઉઠી રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના ભાગળ ગામે સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવા અને જમીન પચાવી પાડવા કારસો રચવાની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. જેને લીધે ભૂમાફિયાઓમાં હડકંપ મચી ગયો છે.
સરકારી જમીન પચાવી પાડવા કારસો રચવાની 2 વ્યક્તિઓ સામે નોંધાઇ ફરિયાદ
ઘટનાની સમગ્ર વિગતો મુજબ પાલનપુર તાલુકાના ભાગળ ગામે ગત કેટલાક સમયથી જે.પી.માર્કેટિંગ કંપની દ્વારા સરકારી જમીન પર અનઅધિકૃત કબજો કરી સરકારી મંજૂરી વિના જ 3 ઓરડાઓ બનાવવાનું કામ શરૂ કરી દેવાયું હતું. ભાગળ ગ્રામપંચાયતને આ બાબત ધ્યાને આવતાં ગ્રામપંચાયતના સેજાના રેવન્યુ તલાટી મનીષા ચૌધરીએ જે.પી.માર્કેટિંગના 2 વહીવટકર્તા અસદ ઉસમાન પટેલ અને જાવેદ ઉસમાન પટેલ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. પોલીસે સરકારી જમીનનો કોમર્શિયલ લાભ માટે ઉપયોગ કરી સરકારી જમીન પચાવી પાડવા કારસો રચવા સંદર્ભે જમીન પ્રતિબંધ અધિનિયમ કલમ 2 (ધ)(ચ)(ટ) તેમજ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ કલમ 3,4(ક)અને આઈપીસી કલમ 447,34 મુજબ ગુનો નોંધી બન્ને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.