બનાસકાંઠાઃ લોકો સામાન્ય જેવી બાબતમાં આવેશમાં આવી જઇ માથાકૂટ કરતા હોય છે. ક્યારેક આ મામલો હત્યા સુધી પહોંચી જતો હોય છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં મારામારીના બનાવોમાં અનેક લોકો ઘવાયા છે અને અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે, ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જ રોજબરોજ બનતી મારામારીની ઘટનાઓ અટકી શકે તેમ છે.
બનાસકાંઠાના કાંકર ગામે નજીવી બાબતે જૂથ અથડામણ, એકનું મોત
કાંકરેજ તાલુકાના કાકર ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. રિક્ષાની સાઇડ આપવા જેવી બાબતે માથાકૂટ થતા ધીંગાણું થયું હતું. જેમાં 6 લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. તેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.
કાંકરેજ તાલુકાના કાકર ગામે શુક્રવારના રોજ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં રિક્ષાની સાઈડ આપવા જેવી નજીવી બોલાચાલી બાદ સમાધાન વખતે બન્ને જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બંને જૂથના લોકો સામ-સામે તિક્ષ્ણ હથિયાર વધે હુમલો કરતા 6 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે ગુલાબસિંહ વાઘેલા અને સુરેશજી ઠાકોરે સામસામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે શનિવારે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચેલાજી ઠાકોરનું મોત નિપજ્યું છે. આ મોત બાદ ગામમાં ભય જેવી સ્થિતિ બની હતી. જો કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને શિહોરી પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.