ચૈત્રી નવરાત્રીના ઉપવાસીઓ માટે આનંદ ભયો અંબાજી : શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી વિધિવત ઉજવણી શરુ થઇ ગઇ છે. ત્યારે હજારોની સંખ્યામાં માઇભક્તોનો પ્રવાહ અંબાજી માના દર્શને અંબાજી મંદિરે આવી રહ્યો છે. માના દર્શન કરી પ્રસાદ કેન્દ્ર ઉપર જતાં ભક્તોને ચીકી અને મોહનથાળ એમ બે વિકલ્પમાં પ્રસાદ ઉપલબ્ધ છે. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસ કરનારા ભક્તો માટે ચીકીનો પ્રસાદ મનભાવન બની રહ્યો છે અને માના દર્શનનો અલગ આનંદ પ્રાપ્ત કરી રહ્યાં છે.
મોહનથાળ અને ચીકીનો વિવાદ હતો : શક્તિપીઠ અંબાજી મંદિરમાં 15 દિવસ ઉપરાંત મોહનથાળનો પ્રસાદ બંધ રહ્યા બાદ લોકોની આસ્થાને ધ્યાને લઈ મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવ્યો હતો. મોહનથાળ પ્રસાદ તરીકે ફરી શરુ કરતા શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી પણ પ્રવર્તી છે. એટલું જ નહીં મોહનથાળ શરુ કરી દેવાતા તમામ પ્રકારના વિવાદોનું પૂર્ણવિરામ થયું છે. ત્યારે ભક્તો ઉપવાસમાં પણ પ્રસાદ આરોગી શકે તે માટે ફરાળી ચીકીનો પ્રસાદ પણ ચાલુ રાખવામાં આવેલો છે.
ઉપવાસમાં ચીકી બની પસંદ : હાલ તબક્કે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ભક્તો નવરાત્રીના ઉપવાસ કરે છે. તેઓ અંબાજી મંદિરમાં ઉપવાસમાં પણ માતાજીનો પ્રસાદ ખાઈ શકે તે માટે ચીકીના પ્રસાદની પૂરતી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. સાથે મોહનથાળના પ્રસાદનુ પણ વેચાણ કરવામાં આવી રહ્યું છેં. અંબાજીમાં મોહનથાળ વર્સીસ ચીકી જેવી વિવાદી સ્થિતિ સમયે ભક્તો ક્યાંક ચીકી પ્રસાદને સાવ અસ્વીકાર્ય કરે તેવી કોઇને ભીતિ થઇ હોય તો તેનું નિરાકરણ આ ખબર સાથે આવી ગયું છે.
બંને પ્રસાદનું વેચાણ : જોકે હાલ અંબાજી મંદિરમાં ચીકી તેમજ મોહનથાળ આમ બંને પ્રકારના પ્રસાદનું વેચાણ કરાઈ રહ્યું છે ત્યારે ભક્તોમાં મોહનથાળ જ હોટ ફેવરિટ બનેલું જોવા મળી રહ્યું છે. નવરાત્રીના ઉપવાસમાં માતાજીનો પ્રસાદ ખાઈ શકે તે માટે ચીકીની પણ ભક્તો ખરીદી કરી રહ્યા છે ત્યારે કેટલાક ભક્તો મોહનથાળની પણ ખરીદી કરતા જોવા મળ્યા હતાં.
પહેલી પસંદ તો મોહનથાળ જ :ભક્તોના જણાવ્યા મુજબ ચીકી ઉપવાસના સમય માટે બરાબર હોઈ શકે પણ સદાય માટે મોહનથાળ જ સર્વ માન્ય માનવામાં આવી રહ્યું છે. ચીકી મંદિરમાં ઉભા રહીને ગ્રહણ કરી શકાય છે ત્યારે મોહનથાળનો પ્રસાદ ઘરે લઇ જઈને ઉપયોગમાં લઇ શકાય છે. મંદિર ટ્રસ્ટે મોહનથાળ ફરી શરુ કરાતા ભક્તો મંદિર ટ્રસ્ટ નો પણ આભાર માનવામાં આવ્યો છે ત્યારે મોહનથાળ ફરી ક્યારે બંધ ન કરાય તેવી પણ અપેક્ષા રાખી રહ્યા છે.