અત્યાર સુધીમાં પૂનમના દિવસે કુલ 750 થી વધુ ધજા અર્પણ કરાયી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સહપરિવાર સાથે માઁ અંબાના દર્શન કર્યા હતાં. રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરે પહોંચી મંદિર પર ધ્વજા રોહણ કર્યું હતું, ત્યાર બાદ મંદિરમાં પૂજા કરી માઁ અંબાના આશીર્વાદ લીધા હતાં. કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળો જામ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ બોલ માડી અંબે, જય જય અંબે...ના નાદ સાથે પદયાત્રીઓ આગળ વધ્યાં હતાં. માતાજી અપાર શ્રધ્ધાના લીધે દિવસ-રાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટ્યાં હતાં.
મહત્વનું છે કે, માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દૂરદૂરથી ચાલતા આવ્યાં હતાં. અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની એસ.ટી.ની નવી બસો જોઇને યાત્રિકોને આનંદ થયો હતો. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘરે મોકલવા એસ.ટી.વિભાગ આશરે 1100 જેટલી બસો ચલાવી રહ્યું છે. સુંદર સુવિધાને પગલે યાત્રિકો પોતાના વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતું નથી.