- મહેસુલી કર્મચારીઓનું માનવીય અભિગમ
- પાલનપુરમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ
- 350 જેટલાં ગરીબોને કરાયું ધાબળાનું વિતરણ
બનાસકાંઠાઃ અત્યારે શિયાળાની મોસમ જામી છે. ગાત્રો થીજવતી કડકડતી ઠંડી પડી રહી છે. તેવા સમયમાં ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને ઠંડીમાં રાહત મળે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી પાલનપુર શહેરમાં રહેતાં 350 જેટલાં ગરીબ લોકોને મહેસૂલ પરિવાર દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના અલગ-અલગ વિસ્તારમાં કરાયું ધાબળાનું વિતરણ
ડી.વાય.સી ચેરીટેબલ ટ્રસ્ટ અને જીવદયા ગ્રુપ, પાલનપુર દ્વારા અપાયેલા ધાબળાનું વિતરણ નિવાસી અધિક કલેક્ટર એ.ટી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, મહેસૂલ મંડળના પ્રમુખ અને મંત્રી તથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓના હસ્તે ગરીબોને ધાબળા આપવામાં આવ્યાં હતા. પાલનપુર શહેરના કિર્તીસ્તંભ, ચાણક્યપુરી, બિહારીબાગ, એગોલા રોડ, તિરૂપતિ ડીસા હાઇવે, એરોમા સર્કલ, બ્રહ્માણી હોટલ, આકેસણ ફાટક, દિલ્હી ગેટ, મહાજન હોસ્પીટલ, ઢાળવાસની પાછળ, જી. ડી. મોદી કોલેજ રોડ, રેલ્વે પુલના છેડે, રામલીલા મેદાન, ગઠામણ ગેટ, જુનું બસ સ્ટેશન અને હરીપુરા વિસ્તારમાં રહેતા ગરીબોને ધાબળા અપાયા હતા.
નિરાધાર લોકોને મદદ કરી સાચા અર્થમાં માનવતાની જ્યોત પ્રગટાવી
એક તરફ પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા રેન બસેરાના ઓપનિંગના 25 દિવસ બાદ પણ ત્યાં પ્રાથમિક સુવિધાઓ ઉભી નથી કરી શકતી, તો બીજી તરફ જિલ્લા મહેસુલી કર્મીઓ આવી કાતિલ ઠંડીમાં પણ ઘરેથી બહાર નીકળી નિરાધાર લોકોને મદદ કરી સાચા અર્થમાં માનવતાની જ્યોત પ્રગટાવી રહ્યાં છે. જે પ્રશંસનીય બાબત છે.