- રેમડેસીવીર ઈન્જેક્શનની હોસ્પિટલોમાં અછત
- બનાસકાંઠાના પાલનપુરમાં રેમડેસીવીર ઈનજેક્શનની કાળા બજારી
- આરોગ્ય અધિકારીએ ડોક્ટર સામે કરી કાર્યવાહી
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, અને જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટ્યો છે. તેની સામે રેમડેસીવીર ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા છે અને તેના કારણે કેટલાક તબીબો અત્યારે માનવતા નેવે મૂકી તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મંગળવારે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરીયાણીએ ટીમ સાથે પાલનપુરમાં આવેલી ભૂમા ICU મેડીકેર હોસ્પિટલમાંમાં દરોડા પાડયા હતા જ્યાં દાખલ દર્દીઓ સામે મેળવેલા ઈન્જેકશનનું રજીસ્ટર ચકાસતા ICU કેરના તબીબે કોરોના પોઝિટિવ દર્દીઓને રજા આપ્યા બાદ આ દર્દીઓ ઘરે હોવા છતાં પણ તેમના ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર રીતે 6 ઈન્જેકશન મેળવ્યા હતા, જેથી આરોગ્ય વિભાગની ટીમે આ તબીબ પાસેથી 6 ઈન્જેકશન જપ્ત કર્યા છે અને તેમની સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ડિઝાસ્ટર અને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવા જાણ કરી છે.
ઇજેક્શનનું કાળા બજાર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ
અત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઇન્જેક્શન માટે તરફડી રહ્યા છે, રોજના કેટલાય આવા કોરોના સંક્રમિત દર્દીઓ ઇન્જેક્શન ના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તેમ છતાં પણ કેટલાક તબીબો આવી સ્થિતિમાં પણ થોડાક નાણાંની લાલચમાં માનવતાને નેવે મૂકી તેનો ફાયદો ઉઠાવવામાં પડ્યા છે. આવા તબીબો સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આવા તબીબને કડક સજા થાય તેવી દર્દીના પરીજનો કરી રહ્યા છે.