બનાસકાંઠામાં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા રાતદિવસ મહેનત કરવામાં આવી રહી છે.
ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરુ કર્યો આપને જણાવી દઈએ કે, થરાદ વિધાનસભા બેઠકની રચના 2012માં થયા બાદ અહીં 2012 અને 2017માં ભાજપના પરબતભાઈ પટેલ વિજેતા બન્યા હતા અને ગુજરાતમાં પણ મોદી સરકાર હોવાથી આ વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે, તેમ છતા હજુ પણ અહીંના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં પાણીની સમસ્યા મુખ્ય છે. નર્મદાની મુખ્ય નહેર થરાદ પાસેથી પસાર થતી હોવા છતાં પણ 100 જેટલા ગામો આજે પણ પીવાના પાણીથી વંચિત છે, આ માટે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સરકાર હલ કરી શકી નથી.
આ સિવાય અનેક પ્રશ્નોથી પીડાતી પ્રજા સમક્ષ જતા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને વિશ્વાસ છે કે, ભાજપથી કંટાળેલા લોકો આ વખતે તેઓને જંગી બહુમતીથી જીતાવશે.
તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પણ ફરીથી આ સીટ કબજે કરવા માટે ગામડે ગામડે ખૂંદી રહ્યા છે અને લોકો પણ મોદી સરકારના કાર્યોથી પ્રભાવિત હોવાથી ફરીથી ભાજપને જ જંગી બહુમતીથી જીતાડશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
થરાદ વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે અને હાલના સાંસદ પરબતભાઈ પટેલ આ વિસ્તારમાંથી કુલ પાંચ વખત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે, હાલમાં જોવા જઈએ તો બંને ઉમેદવારો જીતના દાવાઓ કરી રહ્યા છે, ત્યારે લોકો કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે અને કોણ થરાદથી ગાંધીનગર સુધી પહોંવામાં સફળ થશે એ તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે.