બનાસકાંઠા: છેલ્લા ઘણાં સમયથી બાઈક ચોરીના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉન ખુલતાં જ ચોરીની ઘટનામાં સતત વધારો થતાં ડીસા શહેરમાં છેલ્લા બે મહિનામાં અનેક વાહનોની ચોરી થઈ હતી. વારંવાર બાઈકોની ચોરી થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. તે દરમિયાન ડીસામાં પણ બાઈક ચોરીના પગલે પોલીસ સતર્ક બની હતી.
ડીસામાં 8 બાઈકો સાથે બાઈક ચોર ઝડપાયા, સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો
બનાસકાંઠામાં પોલીસે ડીસા પાસેથી બે બાઇક ચોરને ઝડપી પાડ્યા છે. પોલીસે આઠ ચોરીના બાઈક સહિત બે ચોરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા દક્ષિણ પોલીસ રાજ મંદિર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી, તે સમયે એક શંકાસ્પદ બાઈક જણાતા પોલીસે તેને થોભાવી તપાસ કરતા આ બાઈક ચોરી કરેલી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બાઈક સવાર હિતેશ ગેલોત અને વિક્રમભારતી ગોસ્વામીની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ બન્ને ચોરોએ અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએથી કુલ આઠ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોરી કરેલા આઠ બાઇક જપ્ત કર્યા છે અને બંને ચોરની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.