ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા ફરી કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન - અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ

બનાસકાંઠા: શહેરમાં ફરી કમોસમી માવઠું થતાં ખેડૂતોના ઊભા પાક પર કહેર વરસાવતા વ્યાપક નુકસાન થયું હતું. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને કરા સાથે કમોસમી માવઠું થતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

banaskantha
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન

By

Published : Dec 13, 2019, 8:28 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતો પર એક પછી એક કુદરતી આફતો કહેર વરસાવી રહી છે. પહેલા અતિવૃષ્ટિ બાદમાં તીડનો આતંક એ પછી કમોસમી માવઠું ત્યારબાદ ઈયળોનો ઉપદ્રવ હવે ફરી પાછું કમોસમી માવઠાએ ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાતા વાતાવરણમાં ભારે પલ્ટો અને અચાનક ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને ડીસા પંથકમાં કમોસમી માવઠું થયું હતું. એક મહિના અગાઉ પણ કમોસમી માવઠું થતા દિયોદર અને વાવ તેમજ ડીસા પંથકના ખેડૂતોને એરંડા ,મગફળી અને બટાટામાં અંદાજે 50 કરોડથી પણ વધુનુ નુકસાન થયું હતું. ત્યારબાદ ફરી કમોસમી માવઠું થતાં ખેડૂતો નુકસાનીમાંથી ઉભા થતા ફરી પડી ભાંગ્યા છે.

સુઈ ગામ વિસ્તારમાં કમોસમી કરા સાથે ફરી માવઠું થયું હતું. જેના કારણે ગામના કરોટી, દિયોદરના નવા ગામમાં ભારે વાવાઝોડા સાથે કરાનો વરસાદ થતાં ખેડૂતોના ઘરના પતરા પણ ઉડી ગયા હતા. તેમજ કરાનો વરસાદ થતાં ખેડૂતોની ઘરવખરીને પણ નુકશાન થયું હતું. 100 વર્ષથી અડીખમ ઉભેલા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થઇ લોકોના ઘર પર તૂટી પડતાં લોકોને ભારે નુકસાન થયું હતું. જો કે, સદનસીબે જાનહાની ટળી હતી. દિયોદર અને કાબર પંથકમાં ભારે વાવાઝોડાએ મોટી તબાહી સર્જી હતી.

2018 ભાભરથી આજુબાજુના ગામમાં જવાના મોટાભાગના માર્ગ બંધ થઈ ગયા હતા. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે અનેક ઘટાદાર વૃક્ષો રોડ પર ધરાશાયી થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેમજ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ જતા લોકો ફસાઇ ગયા હતા. જ્યારે દિયોદર અને વાવના પંથકમાં મોટાભાગે જીરું ,એરંડા અને કપાસનું વાવેતર થાય છે.

આ વર્ષે પણ આ વિસ્તારની અંદર ખેડૂતોએ જીરું અને એરંડાનું મુખ્યત્વે વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી માવઠાને કારણે ખેડૂતોનો 90 ટકા પાક નાશ પામ્યો છે. છેલ્લા એક મહિનાથી ખેડૂતો રાત દિવસ કાળી મજૂરી કરી જીરુ અને એરંડાના પાકને તૈયાર કર્યો હતો. પરંતુ ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેમના ખેતરમાં વાવેલા તમામ પાક નષ્ટ થઈ ગયા છે.

અગાઉ પણ ખેડૂતોને કમોસમી માવઠાને કારણે ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ ફરીથી ખેડૂતોનો પાક તૈયાર થવા આવ્યો હતો. ત્યાં ફરી કમોસમી માવઠું થતા ખેડૂતોની તમામ આશા અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે. તેના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે અને ખેડૂતોને નુકશાન સામે વળતર આપે તેવી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી છે.

એકતરફ ખેડૂતો અગાઉ થયેલા નુકશાન માટે દિન રાત કાળી મજૂરી કરી બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ કુદરત જાણે બદલો લેવા માંગતી હોય તેમ એક પછી એક આફતો વરસાવી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોને આ કુદરતી આફતોમાંથી ક્યારે રાહત મળશે. આ નુકસાન કેવી રીતે ભરપાઈ કરી શકાશે તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details