- ભીલડી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય
- ઉચ્ચકક્ષાએ અનેક રજૂઆતો પરિણામ શૂન્ય
- ગ્રામપંચાયત દ્વારા પણ કરવામાં આવી હતી રજૂઆત
- તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી કરવા સ્થાનિક લોકોની માગ
બનાસકાંઠા: ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠાનું ભીલડી ગામ આજે પણ વિકાસના કામથી વંચિત છે. અનેકવાર આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
ભીલડી ગામ વિકાસથી વંચિત, અનેક રજૂઆત છતા પરિણામ શૂન્ય સરકાર દ્વારા વિકાસના નામે લોલીપોપ
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે પણ એવા અનેક ગામો છે કે, જ્યાં વર્ષોથી લોકો અનેક સમસ્યાઓનો સામનો કરતા હોય છે. વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં પણ હાલમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાખણી તાલુકાના ભીલડી ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી કચરાના નિકાલ માટે અને ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી. જેના કારણે ભીલડી ગામમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગટરના પાણીની કોઇ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે ગંદા પાણીથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. જ્યારે એક તરફ સરકાર ગ્રામીણ વિસ્તારની વાતો કરી રહી છે તો બીજી તરફ ભીલડી ગામમાં માત્ર ગંદુ પાણી અને કચરાના ઢગલા જ જોવા મળી રહ્યા છે.
તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી
હાલમાં સમગ્ર ભીલડી પંથકમાં ચારે બાજુ ગંદુ પાણી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભીલડી ગામમાંથી અનેક ગામોને જોડતો મેઈન હાઇવે પસાર થાય છે અને આ મેઈન હાઈવેની આજુબાજુ માત્ર મોટા મોટા ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ભીલડી ગ્રામ પંચાયત અને ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ બાબતે સરકારી અધિકારીઓને જાણે ભીલડી ગામની પ્રજાની કોઈ પડી જ ન હોય તેમ આજદિન સુધી આ કચરાના નિકાલ માટે અને ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે ભીલડી ગામના લોકો ગાંધીનગર સુધી લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારના વ્યવસ્થા કરવામાં આવી નથી. ગામના લોકો માત્ર ગંદા કચરા અને ગટરનાં ગંદા પાણી વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે જો આગામી સમયમાં સરકાર દ્વારા ગંદા પાણીનો નિકાલ અને કચરાના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભીલડી ગામમાં મોટો રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે.
ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખની રજૂઆત
ભીલડી ગામમાં સતત વધી રહેલા ગંદા પાણી અને કચરા માટે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં પ્રમુખને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જે બાબતે ભીલડી ગ્રામ પંચાયતના પ્રમુખ દ્વારા આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર બનાસકાંઠા જીલ્લા પંચાયત અને ગાંધીનગરમાં અનેકવાર ઘન કચરાના નિકાલ માટે અને ગંદા નિકાલ માટે સરકારી જમીનની માંગણી કરી હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતે રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. ભીલડી ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ મોદી દ્વારા પણ આ બાબતે કચરાના નિકાલ માટે ગૌચરની જમીનમાં ડમ્પિંગ સાઈડ બનાવી આપવા માટે માંગ કરી હતી. પરંતુ સરકારની આ બાબતે જાણે કોઈ ધ્યાન જ ન હોય તેમ વર્ષોથી ભીલડી ગામના લોકોની માગણી પૂરી કરવામાં આવી નથી.
ભીલડી ગામ વિકાસથી વંચિત, અનેક રજૂઆત છતા પરિણામ શૂન્ય તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી કરવા સ્થાનિક લોકોની માગબનાસકાંઠા જિલ્લાના વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે પરંતુ તેની સાથે સાથે આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારો છે. જ્યાં લોકો વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભીલડી ગામે વર્ષોથી લોકો ગંદા પાણીના નિકાલ માટે અને ચારેબાજુ વધી રહેલા ગંદા કચરાના નિકાલ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઇ જ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતાં આજે ભીલડી ગામની ચારે બાજુ માત્ર અને માત્ર ગંદુ પાણી અને કચરો જોવા મળી રહ્યા છે. જેના કારણે અહીં રહેતા લોકો અને જાહેર રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોની તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી પાડવાની માગ ઉઠી છે.