- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- ભાભરમાં ચૂંટણી પહેલાં કોંગ્રેસના ઉમેદવારો અન્ડરગ્રાઉન્ડ
- કોંગ્રેસ ઉમેદવારના પતિએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
બનાસકાંઠાઃ જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેના પગલે અત્યારથી જ તમામ પક્ષો પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલમાં તમામ પક્ષના ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી અને ચકાસણી કરાવી રહ્યા છે, ભાજપ પોતાની જીત માટે અત્યારથી જ પોતાના ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં લગાવી દીધા છે, પરંતુ ક્યાંકને ક્યાંક ભાજપમાં ગત ટર્મમાં વિખવાદના કારણે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ ચોક્કસથી ટક્કર આપે તો નવાઇ નહીં.
કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કર્યા અંડરગ્રાઉન્ડ ભાજપની તોડફોડની નીતિના કારણે કોંગ્રેસના સભ્યો અન્ડરગ્રાઉન્ડ
બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નવો વળાંક આવ્યો છે. ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના પ્રક્રિયા પહેલાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ રવાના કરી દેવાયા છે. ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે ગઈકાલે રવિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યાં હતા. જો કે, કોંગ્રેસની નેતાગીરીને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તેવી શક્યતા જણાતા ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ મોકલી દેવામાં આવ્યા છે. જો કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લે તો ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ તેવી શક્યતા હોવાથી આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે. જેથી ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઇ જવાયા છે. આ વાત કોંગ્રેસ આગેવાનોએ પણ સ્વીકારી છે અને ભાજપની તોડફોડની નીતિના કારણે કેટલાક સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા હોવાનું પણ સ્વીકાર્યું છે.
ભાજપે કાંઈ કહેવાનો ઈન્કાર કર્યો
આ મામલે ભાજપના આગેવાનો સંપર્ક કરતાં તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ભાજપને કિન્નાખોરી અને તોડફોડની નીતિના કારણે કોંગ્રેસે કેટલાક સભ્યોને અન્ડરગ્રાઉન્ડ કર્યાં છે, ત્યારે આ તો નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે અને એમાં જ કોંગ્રેસ ડરીને તેમના સભ્યો બહાર મોકલતી રહેશે તો આગામી સમયમાં લોકોની સુરક્ષા કરી શકશે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચા થઇ રહી છે.