ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્રાહક સુરક્ષા કાયદાથી લોકોને થયેલા ફાયદા

બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં ગ્રાહક ડગલેને પગલે છેતરાય નહીં તેની સુરક્ષા માટે સરકાર દ્વારા ગ્રાહક અધિકાર ફોરમ અને કોર્ટનું આયોજન કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં મુખ્ય જજ ન હોવાના કારણે અનેક કેસ અટવાઈ પડ્યા છે. જોકે, બીજી તરફ ગ્રાહક અધિકારના કારણે અનેક ગ્રાહકોને ફાયદો પણ થયો છે.

ગ્રાહક સુરક્ષા કાયદાથી લોકોને થયેલા ફાયદા
ગ્રાહક સુરક્ષા કાયદાથી લોકોને થયેલા ફાયદા

By

Published : Mar 15, 2021, 12:08 AM IST

  • ગ્રાહક અધિકાર કાયદાના કારણે અનેક ગ્રાહકોને થયો ફાયદો
  • ગ્રાહક છેતરાય નહીં તેની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે કાયદો
  • પાલનપુર ખાતે આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં મુખ્ય જજ ન હોવાના કારણે ફરિયાદીઓને ભારે હાલાકી

બનાસકાંઠાઃ ગ્રાહક ડગલે પગલે ખરીદી કરતી વખતે છેતરામણીનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની રચના કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટ આવેલી છે, જ્યાં ગ્રાહકોને લગતી ફરિયાદોના કેસ ચલાવવામાં આવે છે, જોકે, પાલનપુરમાં આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા ઘણા સમયથી ન્યાયાધીશની જગ્યા ખાલી છે. બનાસકાંઠા જિલ્લો આમ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અને અહીં અંદાજે 35 લાખથી પણ વધુ લોકો રહે છે. ત્યારે ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં ડુબલીકેટ ચીજવસ્તુઓનું વેચાણ થતુ હોવાના કારણે અનેકવાર ગ્રાહકો છેતરામણીનો ભોગ બનતા હોય છે. તેવામાં જિલ્લામાં એકમાત્ર પાલનપુર ખાતે આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પણ મુખ્ય જજ ન હોવાના કારણે ફરિયાદીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ સરકાર ડિજીટલ ઇન્ડિયાની વાતો કરે છે, તો બીજી તરફ 35 લાખની વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ગ્રાહકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં જજ નથી, જેના કારણે ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક જજની નિમણૂક કરી કેસ નિકાલ કરે તેવી લોકોની માગ છે.

ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોર દવે

આ પણ વાંચોઃગ્રાહક કાયદો તેના ધ્યેય હાંસલ કરી શકશે?

ડીસાના ખ્યાતનામ ડોક્ટર જીતેન્દ્ર નાગર સાથે થઈ હતી છેતરપિંડી

ડીસાના પ્રખ્યાત ડોક્ટર જીતેન્દ્ર નાગરે અમદાવાદ ખાતે આવેલા કોયો ફેમસ પ્રાઇવેટ લિમિટેડમાંથી પોતાના માટે બે જબ્બાઓની ખરીદી કરી હતી. સદર કાપડ ઉપર કલરના નીકળવા અંગે મોલના સંચાલકોએ ગેરંટી આપી હતી. પરંતુ એક જ વાર કાપડ ધોતા કપડાઓનો કલર નીકળવા લાગ્યો હતો. જેથી ડોક્ટર જીતેન્દ્ર નાગરે કોયો ફેશન પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોને મળી રજૂઆત કરેલી પરંતુ તેઓએ આપેલી ગેરંટીથી સંચાલકો ફરી ગયા હતા અને ગ્રાહકને કપડાં બદલી આપવાનો ઇનકાર કરતા ગ્રાહકે જાગૃતિ નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરી ખાતે લેખિત ફરિયાદ કરી હતી. જેથી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કિશોર દવે કોયો ફેશન પ્રાઇવેટ લિમિટેડને નોટિસ આપતા મોલના સંચાલકોએ ગ્રાહક ડોક્ટર જીતેન્દ્રનો સંપર્ક કરી તેમને બોલાવી સદર ખામીયુક્ત કપડાં બદલી આપ્યા હતા. આમ ગ્રાહકની જાગૃતિથી અને કિશોરભાઈના પ્રયાસથી ગ્રાહકને ન્યાય મળ્યો હતો. બીજી તરફ આજથી ઘણા સમય પહેલા દેશમાં મિનરલ વોટરની શરૂઆત થઇ હતી, તે સમયે ડીસાના પ્રખ્યાત ડોક્ટર જીતેન્દ્ર નાગરે એક કંપનીનું મિનરલ વોટર પ્લાન્ટની ખરીદી કરી હતી અને થોડો સમય થતા જ તે પ્લાન્ટ બગડી ગયો હતો, ત્યારે આ બાબતની જાણ મિનરલ વોટર કંપનીના સંચાલકોને જીતેન્દ્ર દ્વારા વારંવાર કરવા છતાં પર કંપનીના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો અને આખરે કંટાળેલા ડોક્ટર જીતેન્દ્ર નાગરે કન્ઝ્યુમર કોર્ટમાં ગયા હતા અને લાંબા સમય સુધી તેમનો આ કેસ કન્ઝ્યુમર કોર્ટમાં ચાલ્યો હતો અને છેલ્લે કોર્ટે મિનરલ વોટર મશીન બદલી આપવા માટે ઓર્ડર કર્યા હતા, પરંતુ તેમ છતાં પણ કોર્ટના આદેશથી જાણે મિનરલ વોટરની કંપનીને કઈ લેવાદેવા જ ન હોય તેમ ડોક્ટર જીતેન્દ્રના ઘરે કોઈપણ પ્રકારનું મશીન બદલવા માટે કે પૈસા પરત આપવા માટે પહોંચ્યું ન હતું.

ડો.જીતેન્દ્ર નાગર

ડીસામાં હુન્ડાઈ કંપની દ્વારા ગ્રાહક સાથે કરવામાં આવી હતી છેતરપિંડી

પાલનપુર ડીસા હાઈવે પર રહેતા જીતુ રાવળ થોડા વર્ષ અગાઉ ડીસામાં કાર્યરત હુન્ડાઈ કંપનીમાંથી ગાડીની ખરીદી કરી હતી, જે બાદ થોડો સમય જતાંની સાથે જ ગાડીમાં નાખવામાં આવેલી એસી બગડી ગઈ હતી, જેથી ગ્રાહકે ડીસામાં કાર્યરત કંપનીના શો રૂમમાં એસી રિપેર કરવા માટે ગાડી મૂકી હતી. જેમાં ગ્રાહકે 28,406 રૂપિયા એસી રિપેર કરવા માટે આપ્યા હતાં, પરંતુ હજુ તો થોડો સમય થયો છે ત્યારે ફરી એકવાર એસીની સમસ્યા આવતા ફરીથી ગ્રાહકે શોરૂમમાં એસી રિપેર કરવવા ગયા હતા, ત્યારે શો રૂમ વાળાએ ફરીથી ગ્રાહક પાસેથી 1800 રૂપિયા વસૂલાત કરી હતી, તો પણ એની સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રાહકે ફરીથી કંપનીમાં એસી રિપેર માટે ગયા હતા, ત્યારે શો રૂમના મેકેનિકોએ સમસ્યાઓની સમજણ ન પડતાં તેઓ ગ્રાહકને પાલનપુરના શોરૂમ ખાતે મોકલ્યા હતા, ત્યા પાલનપુર શોરૂમ સંચાલકોએ ગ્રાહક પાસેથી ફરી 7344 અને 29,219 રૂપિયા એસી રિપેર કરવાના વસૂલ કર્યા હતા, આમ ગ્રાહક પાસેથી કુલ રૂપિયા 66,882 વસૂલ કર્યા હતા છતાં ગ્રાહકની ગાડીમાં લગાવેલી એસી યોગ્ય થઈ ન હતી, જેથી આ બાબતની જાણ જીતુભાઈ રાવણ દ્વારા કંપનીમાં કરી હતી, પરંતુ તેમને મેનેજર દ્વારા યોગ્ય જવાબ ન મળ્યો હતો જે વાત અંગેની ફરિયાદ જીતુભાઈ દ્વારા અમદાવાદની કંપનીમાં કરવામાં આવી હતી. તેમ છતાં પણ જીતુ રાવળને કોઈ જવાબ ન મળ્યો હતો, જેથી આખરે કંટાળેલા જીતુભાઈએ ગ્રાહક અધિકાર મંડળમાં પોતાના સાથે છેતરપિંડી થઈ છે તે અંગેની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આજે આ ફરિયાદને લાંબો સમય થયો હોવા છતાં પણ આજે પણ જીતુભાઈ રાવળને ન્યાય પર પુરેપુરો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ તેમને ન્યાય મળશે.

જીતુ રાવળ

બેન્કો દ્વારા ગ્રાહકો સાથે ઇન્સ્યોરન્સના નામે કરવામાં આવતી છેતરપિંડી

લોકોને આમ તો બેન્કો પર સૌથી વધુ વિશ્વાસ હોય છે અને જેના કારણે મોટાભાગના લોકો પોતાના જીવન પર વીમા અને ઈન્સ્યોરન્સ લેતા હોય છે, પરંતુ કેટલીકવાર બેન્કો દ્વારા પોતાના ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોને બેંકો પરથી વિશ્વાસ ઊઠી જતો હોય છે, ત્યારે આવી જ ઘટના ડીસાના ઠાકોર પરિવાર સાથે બની હતી. ડીસા ખાતે રહેતા દેવાજી ઠાકોર કે જેઓનું એક્સિસ બેંકમાં ખાતું હતું અને તે ખાતામાંથી તેમના મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લીધેલા વીમા પોલિસીના પ્રીમિયમ નાણા ઓટો ડેબિટ પદ્ધતિથી દર મહિને 2654 રૂપિયા કપાતા હતા. જે બાદ તારીખ 28- 8- 2017 ના રોજ દેવાજી ઠાકોરનું આકસ્મિક નિધન થયું હતું. જે બાદ તેમના પુત્ર દ્વારા મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સના વીમા કંપની માટે કલેમ્પ મૂક્યો હતો, ત્યારે વીમા કંપની દેવાભાઈના ખાતામાંથી પ્રીમિયમ ના મળેલું હોવાનું કારણ જણાવી વીમા કલેમ્પ નામંજૂર કર્યો હતો. જે બાદ આ અંગે ગ્રાહકે દેવાભાઈના ખાતાનું સ્ટેટમેન્ટ નીકાળતા ગ્રાહકને ખબર પડી કે તેમના પિતા દેવાભાઈના ખાતામાં પૂરતું બેલેન્સ હોવા છતાં પણ બેંક દ્વારા ખાતામાંથી પૈસા લેવામાં આવ્યા નથી, જેથી ગ્રાહકે તાત્કાલિક ધોરણે આ અંગેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંડળમાં લેખિતમાં કરી હતી અને ત્યારબાદ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે એક્સિસ બેન્ક સામે ફરિયાદ દાખલ કરી છે અને આવનારા સમયમાં ચોક્કસથી ગ્રાહકને ન્યાય મળશે તેવો આશાવાદ ગ્રાહક નિલેશ ઠાકોરે વ્યક્ત કર્યો હતો.

નિલેશ ઠાકોર

ખ્યાતનામ કંપની ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી

ડો.હિરેન પટેલ

આમ તો દરેકનું સ્વપ્ન હોય છે કે એક દિવસ તે વિમાનમાં પ્રવાસ કરે પરંતુ કેટલીકવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે, જેનાથી લોકો વિમાનમાં પ્રવાસ કરવાનું ભૂલી જતા હોય છે. આવો જ કિસ્સો ડીસા ખાતે છેલ્લા ઘણા સમયથી બાળકોના નિષ્ણાત બની સેવા આપતા ડોક્ટર હિરેન પટેલ સાથે બન્યો હતો. થોડા વર્ષ પહેલા ઇન્ડિયન એરલાઇન્સ કંપની દ્વારા અમદાવાદથી ગોવા જવા માટે ટુર ગોઠવવામાં આવી હતી અને આ ટૂરમાં ગુજરાતમાંથી અનેક પ્રવાસીઓએ એરલાઇન્સ કંપનીના વિમાનમાં ગોવા જવા માટે આવ્યાં હતા, જેમાં ડોક્ટર હિરેન પટેલ પર પોતાના પરિવાર સાથે ગોવા જવા માટે ઈન્ડિયન એરલાઈન્સ કંપની ટિકિટની ખરીદી કરી હતી, પરંતુ તેમને અમદાવાદથી પ્રવાસીઓને લઇને નીકળી દિલ્હી જઈને તમામ પ્રવાસીઓને ઉતારી દીધા હતા. તેમજ તમામ પ્રવાસીઓને સાગર જવામાટે જાતે મેનેજ કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. આ અંગેની જાણ ડોક્ટર હિરેન પટેલ અને અન્ય પ્રવાસીઓએ ઇન્ડિયન એરલાઇન્સ કંપનીના સંચાલકોને કરવા છતાં તેઓએ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ આ અંગેની ફરિયાદ ડોક્ટર હિરેન પટેલ દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળમાં કરી હતી, જે અંગેની ફરિયાદ એક વર્ષ સુધી ચાલી હતી અને ઈન્ડિયન એરલાઈન્સ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે જે પણ પ્રવાસીઓએ આ અંગેની ફરિયાદ કરી હતી, તે તમામ ફરિયાદીઓને પૈસાની ચુકવણી કરવી પડી હતી. બીજી તરફ થોડા દિવસ અગાઉ જ ડોક્ટર હિરેન પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં નવા ગેસ કનેકશન લેવા માટે તારીખ 5 -3 -2020 ના રોજ રૂપિયા 2775 ડિપોઝિટ પેટે ગેસ કંપનીમાં ભર્યા હતા, પરંતુ નવ મહિના સુધી ગેસ કંપનીએ કનેક્શન ન આપતા ડોક્ટર હિરેન પટેલે આ અંગે ગ્રાહક સુરક્ષા મંડળમાં લેખિત ફરિયાદ કરી હતી, જે બાદ જાગૃતિ સુરક્ષા મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે ગેસ કનેક્શન આપતી કંપની સામે કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર બે દિવસમાં જ તમામ લોકોને ગેસ કનેક્શન આપવાની ફરજ પડી હતી. આમ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અનેક ફરિયાદોના નિવારણ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ગ્રાહક સુરક્ષા કાયદાથી લોકોને થયેલા ફાયદા

ABOUT THE AUTHOR

...view details