- બનાસકાંઠાની ટીમે તૈયાર કરી 'માય રાશન' મોબાઈલ એપ
- એપને સર્વોત્તમ મોબાઈલ એપ ચેલેન્જમાં ટોપ 20માં સ્થાન મળ્યું
- બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે એપનું કર્યું હતું લોન્ચિંગ
- 'માય રાશન' એપ દ્વારા ગ્રાહકોને અનેક સુવિધાઓ મળશે
બનાસકાંઠાઃ જિલ્લાની N.I.C ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી 'માય રાશન' એપ, ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તરફથી "સર્વોત્તમ મોબાઇલ એપ ચેલેન્જ" (District Governance through Mobile Challenge)માં સમગ્ર દેશમાં ટોપ 20 મોબાઈલ એપમાં સ્થાન મેળવ્યું છે. આ એવોર્ડ N.I.Cના ડિરેક્ટર જનરલ નીતા વર્માએ ઓનલાઈન એવોર્ડ સમારંભમાં જિલ્લા સૂચના વિજ્ઞાન અધિકારી નંદકિશોર ટાંક, જિલ્લા સૂચના વિજ્ઞાન સહાયક શિવાંશુને સોંપ્યો હતો અને જિલ્લાની ટીમે કરેલા પ્રયત્નોની જાણકારી આપી હતી.
આ પણ વાંચો-માઇક્રોસોફ્ટે તેની કમ્યુનિકેશન એપ્લિકેશન ટીમ્સનું વ્યક્તિગત સંસ્કરણ લોન્ચ કર્યું
આ એપને રાષ્ટ્રીય સ્તરની માન્યતા મળી
જિલ્લા માટે ગર્વની વાત છે કે, આ એપને રાષ્ટ્રીય સ્તરની માન્યતા મળી છે. આ ચેલેન્જમાં કુલ 674 જિલ્લા સહભાગી થયા હતા, જેમાંથી અંતિમ રાઉન્ડ માટે ટોચની 20 મોબાઈલ એપ્લિકેશનોની પસંદગી કરવામાં આવી હતી. આ ચેલેન્જ ત્રણ તબક્કાના મૂલ્યાંકનમાં હતી, જેમાં દરેક એપને આ બધા તબક્કામાંથી પસાર થવું ફરજિયાત હતું. સમગ્ર દેશમાં 674 જિલ્લામાંથી બનાસકાંઠાની 'માય રાશન' મોબાઈલ એપ ત્રણ તબક્કાને પસાર કરી ટોચની 20 મોબાઇલ એપ્લિકેશનોની યાદીમાં પસંદગી પામી છે.
આ પણ વાંચો-એક એપ્લિકેશન બની કોરોના સામે મજબૂત હથિયાર