બનાસકાંઠા :જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની અને ખેતી કરવા માટે પાણીની સમસ્યા ઊભી થાય છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીના બુંદ બુંદ માટે લોકોએ ટળવળવું પડે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાના સમયે કેનાલોમાં પાણી બંધ કરતાની સાથે જ અનેક ગામોમાં પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે, ત્યારે આ વર્ષે પણ એક તરફ ઉનાળો અગનગોળા જેવી ગરમી પડી રહી છે. તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
15 દિવસથી પાણી માટે રકઝક : બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલ મારફતે જે પીવા માટે અને ખેતી કરવા માટે પાણી પૂરું પાડવામાં આવતું હતું તે હાલમાં બંધ થઈ ગયું છે. જેના કારણે અનેક ગામો હાલ પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ચોથાનેસડા લોદ્રાણી સહિતના અનેક ગામમાં છેલ્લા 15 દિવસથી પીવા માટેનું પાણી ન આપતા અહીંના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં સરહદી વિસ્તારના અનેક ગામોમાં એક પણ ટીપુ પાણી ન હોવાના કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે.
અમારા વિસ્તારમાં પાણી નથી પાણી વગર અમને ખૂબ તકલીફ પડે છે. જેથી સરકારને અમારી નમ્ર અપીલ છે કે અમને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે. - શ્રવણ મણવર (સ્થાનિક)
છેવાડાના માનવી સુધી પાણી : એક તરફ ઉનાળો આકરા તાપે શરૂ થયો છે તો બીજી તરફ મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટર દૂર સુધી જવા માટે મજબૂર બની રહી છે. ખેતીની સાથોસાથ લોકો પશુપાલન સાથે વર્ષોથી સંકળાયેલો છે, પરંતુ સરહદી વિસ્તારોમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પશુપાલન કરવું પણ મુશ્કેલી બન્યું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ તો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા અને ગામો પીવાના પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. રાજ્ય સરકાર એક તરફ ગુજરાતના છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાની વાતો કરી રહી છે, પરંતુ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તો હાલમાં પીવાના પાણી માટે લોકો રોજે રોજ તંત્રને રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે હાલ તો આ ગામના લોકોને એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સરહદી વિસ્તારોના ગામોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે.