- દેશી બનાવટની બંદુક બનાવનારો આરોપી ઝડપાયો
- બનાસકાંઠા SOG પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો
- પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદેસર દેશી હથિયારોનું વેચાણ તેમજ બનાવટનું પ્રમાણ વધ્યું છે. વારંવાર અસામાજિક તત્વો પાસેથી દેશી બનાવટના તમંચા અને બંદૂક ઝડપાય છે. ત્યારે SOG પોલીસે બાતમીના આધારે દાંતા તાલુકાના વડવેરા ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરતા તેમાંથી દેશી બનાવટની બંદુક બનાવવાનો માલસામાન મળી આવતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાસકાંઠા SOG પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી દેશી બનાવટની બંદુક બનાવનારા આરોપીને ઝડપ્યો છેલ્લા 6 મહિનામાં અમીરગઢ બોર્ડર પરથી અનેક ગેરકાયદે હથિયારો ઝડપાયા
બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે વારંવાર બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાન બોર્ડર પરથી પાસ પરમીટ વગરની ગેરકાયદેસર વસ્તુ ઝડપાઈ રહી છે. ખાસ કરીને છેલ્લા 6 મહિનામાં જિલ્લાના અમીરગઢ બોર્ડર પરથી અનેક ગેરકાયદેસર હથિયારો ઝડપાયા છે. આ સિવાય દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ આ બોર્ડર પરથી ઝડપાયો છે. ત્યારે કોરોના વાઈરસની મહામારી બાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા વારંવાર જિલ્લાની બોર્ડર ઉપરથી ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરના હથિયારો ઝડપાઈ રહ્યાં છે.
પોલીસે માલસમાન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
SOG પોલીસ ગેરકાયદેસર હથિયારોને લઈ એલર્ટ બની છે. છેલ્લા કેટલાય દિવસોથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો સામે કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે દાંતાના વરવાડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી બનાવટના બંદૂક તેમજ તમંચા બનાવવાનો માલસામાન બનાસકાંઠા SOGએ કબજે કર્યો છે. દાંતા તાલુકાના વડવેરા ગામે રહેતા પ્રતાપજી ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી બંદૂક બનાવતા હતા. જે મામલે SOGની બાતમી હતી. બાતમીના આધારે SOG પોલીસે તેમના રહેણાંક મકાનમાં તપાસ કરતા બંદુક બનાવવાની નાળ તેમજ અન્ય માલસામાન મળી આવ્યો હતો, જેથી પોલીસે તે તમામ માલસમાન કબજે કર્યા હતા. જે બાદ આરોપી પ્રતાપજી ઠાકોરની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા SOG પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી દેશી બનાવટની બંદુક બનાવનારા આરોપીને ઝડપ્યો આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો
આરોપી પ્રતાપજી ઠાકોર સામે દાંતા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે, દાંતા જેવા અંતરિયાળ વિસ્તારમાં દેશી બંદૂક બનાવવા માટેનો માલસામાન આરોપી ક્યાંથી લાવતો હતો. અગાઉ તેણે આ પ્રકારની દેશી બંદૂક બનાવી કેટલા લોકોને વેચી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.