વરસાદ અને પગલે અનેક ખેતરો બેટમાં ફેરવાયા બનાસકાંઠા:જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ક્યાંક આ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને ડીસા લાખણી થરાદ વાવ પાલનપુર અને ધાનેરા સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામોમાં વરસાદે મોટું નુકસાન કર્યું છે.
ખેડૂતોને લાખો રૂપિયાનું થયું નુકસાન ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં: ડીસા તાલુકાના દામા ગામથી કંસારી તરફ જોડતા રોડ પર આજે ભારે વરસાદના પગલે વરસાદી પાણીનું વહેણ આવતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કંસારી ગામમાંથી ખેતરો મારફતે આવતું વરસાદી પાણી આજે દામા ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અહીંથી પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે ખેડૂતો અને પશુપાલકો પણ પોતાના ખેતરોમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું તો બીજી તરફ વરસાદનો વહેણ વધુ હોવાના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી પ્રવેશ કર્યો હતો. જેના કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીનું જે વાવેતર કર્યું હતું તેમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
'અમારા ગામમાં જે તળાવ હતું તે વરસાદના કારણે ભરાઈ ગયું અને અત્યારે ઓવર ફ્લો થયું છે. જેના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાયું છે. અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અમારી આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જેથી મગફળી નો પાક હતો તે નષ્ટ થઈ ગયો છે. હવે જો સરકાર સર્વે કરી યોગ્ય સહાય કરે તો સારું.' -ખેડૂત
પશુપાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો: કંસારીથી દામા ગામને જોડતા રસ્તા પર મોટાભાગે પશુપાલકો વસવાટ કરે છે. સવાર સાંજ બે ટાઈમ પોતાના પશુઓનું દૂધ ડેરીમાં ભરાવા માટે જાય છે પરંતુ આજે ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પશુપાલકો પોતાનું દૂધ માંડ માંડ બાઈક અને ટ્રેક્ટરો પર લઈ ડેરી સુધી પહોંચાડ્યું હતું. આજે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે મોટાભાગના પશુપાલકોએ પોતાનું દૂધ પણ ડેરી સુધી પહોંચાડી શક્યા ન હતા જેના કારણે પશુપાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
જળબંબાકાર જેવી પરિસ્થિતિ: આજે આ રસ્તા ઉપર પાણી ભરાતા ખેડૂતો ગામમાં શાકભાજી અને કરિયાણું લેવા માટે પણ પહોંચી શક્યા ન હતા તેવી મુશ્કેલી પડી રહી હતી. આ તરફ તમામ રસ્તાઓનું પાણી દામા ગામમાં આવેલ તળાવમાં પ્રવેશ્યું હતું જેના કારણે તળાવ પણ હવે ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આજે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ડીસા તાલુકામાં વરસાદે જોર પકડ્યું છે. તેના કારણે અનેક ગામોમાં હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે.
'ગઈકાલે જે પ્રમાણે વરસાદ પડ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસા તાલુકાના અમુક ગામોમાં પાણી ભરાયા છે તેવું અમારે ધ્યાને આવ્યું છે અને અમે સર્વે કરી આગળની કાર્યવાહી હાથ ધરીશું.'-ખેતીવાડી અધિકારી
વરસાદથી ત્રાહિમામ: વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠેલા ડીસા તાલુકાના દામા ગામના ખેડૂતો હવે વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દામા ગામનું તળાવ પ્રથમ વરસાદમાં જ ઓવરફલો થઈ ગયુ છે અને તળાવ ઓવરફ્લો થતા વધારાનું વરસાદી પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું છે. જેથી ખેડૂતોએ વાવેલ ચોમાસું પાક પાણીમાં ઘરકાવ થઈ ગયો છે અને ખેડૂતોએ મહામુસીબતે કરેલું વાવેતર જમીન દોસ્ત થઈ જતા લાખો રૂપિયાનો નુકસાન વેઠવું પડ્યું છે. ડીસા તાલુકામાં અગાઉ પણ બીપરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું.
ખેતરોમાં ફરી વળ્યુ પાણી:ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચો કરીને મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ જે પ્રમાણે વરસાદ ખાબક્યો જેને પગલે તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના 100 થી વધુ ખેતરોમાં તળાવનું પાણી ફરી વળતા ખેડૂતોના સપના રોળાઈ ગયા છે. દામા ગામમાં તળાવ પાસે જ તેમનું ખેતર આવેલું છે અને પ્રથમ વરસાદ બાદ તળાવ છલકાઈ જતા તેનું વધારાનું પાણી તેમના ખેતરમાં ઘૂસી ગયું હતું. જેથી ખેડૂતોએ ત્રણથી ચાર લાખ રૂપિયાના ખર્ચે કરેલું વાવેતર નિષ્ફળ ગયુ છે અને સરકાર તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપી તેવી માંગ કરી હતી.
- Gujarat Rain Update: રાજ્યમાં મેહુલિયાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ, હજુ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી
- Kutch News: હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદો, આવતીકાલે ભુજમાં જાહેર રજા કરાશે જાહેર