બનાસકાંઠા : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી બાજરીના પાકને ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ગત 25 મેથી પાલનપુરમાં માલ ગોડાઉન ખાતે પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં પુરવઠા વિભાગ દ્વારા રોજના 50 ખેડૂતોને sms કરીને બાજરી ભરાવવા માટે બોલાવવામાં આવે છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા વહેલી સવારે આવેલા ખેડૂતોનો મોડી રાત સુધી નંબર આવતો નથી અને ખેડૂતોને રાતભર રોડ પર સુઈ રહેવાનો વારો આવે છે.
ખેડૂતોનો રોષ :ખેડૂતો પુરવઠા વિભાગ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતો માટે પીવાના પાણી સગવડ કરવામાં આવી નથી. અમારે અમારા બાજરીના માલ સાથે રોડ પર આખો દિવસ બેસી રહેવું પડે છે. એક બાજુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામા આવી છે. તંત્ર વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ખરીદી કરવા માટેની વધારાની સગવડ કરવામાં ન આવતા બાજરીનો પાક પલળી જવા માટેની ભીતિઓ સેવાઈ રહે છે, ત્યારે અમારી માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બાજરીના ખરીદી કેન્દ્રો પર વધારે કાઉન્ટર રાખવામાં આવે તો ખેડૂતોને આખો દિવસ બેસી રહેવું ન પડે. જેથી તાત્કાલિક ધોરણે પુરવઠા વિભાગ વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.
ગઈકાલના જે ટ્રેક્ટરો બાજરી લઈને આવ્યા હતા. તેનું વજન થયું છે અને આજના જે ટ્રેક્ટરો બાજરી ભરીને આવ્યા છે. તે હજુ એમનેમ જ પડ્યા છે. અહીં રાતવાસો રહેવું પડે તેવું લાગે છે. તેથી અમારી નમ્ર વિનંતી છે કે બીજા વજન કાંટાઓ શરૂ કરવામાં આવે. તેથી ખેડૂતોને અગવડતા ન પડે અને ઝડપી વજન થાય તો આવી ગરમીમાં ખેડૂતો હેરાન પરેશાન ન થાય અને બાજરી વહેંચીને શાંતિથી ઘરે જઈ શકે. - ખેડૂત