પાલનપુર : બનાસકાંઠાના અંબાજી શક્તિપીઠ ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો 2023 માટે વહીવટી પ્રક્રિયાઓ શરુ કરી દેવામાં આવી છે. જેને લઇને પાલનપુર ખાતે પ્રવાસન સચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. ત્યારે સત્તાવાર અપાયેલી માહિતી મુજબ 23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનું આયોજન થશે.
આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મેળો: બનાસકાંઠા જિલ્લામાં આવેાલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગે બેઠક વિવિધ વિભાગના અધિકારીઓની મીટિંંગ: આ વર્ષે આગામી તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું આયોજન થનાર છે. જેમાં આગોતરા આયોજન માટે પ્રવાસન સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટિંંગ મળી હતી. તેઓએ દરેક વિભાગને કરવાની થતી વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરવા તમામને જણાવ્યું છે.દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિંગ, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતી, પ્રચાર - પ્રસાર સહિતની બાબતોની ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું છે...હારિત શુક્લા(પ્રવાસન સચિવ)
ભારવી પૂનમ મેળાનું એડવાન્સ પ્લાનિંગ : આ વર્ષે આગામી તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત થનાર ભાદરવી પૂનમ મેળામાં આવનાર દરેક શ્રદ્ધાળુને વિશિષ્ટ અનુભવ થાય એ માટે એડવાન્સ પ્લાનિંગના ભાગરૂપે મિટિંગનું આયોજન કરી તૈયારીઓની શરૂઆત કરવામાં આવી હતી. આ મિટિંગમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઇઓ રાજકુમાર બેનીવાલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, મંદિર ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, સેપ્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર રેશમા શાહ તેમજ વિવિધ વિભાગના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
- અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, પાંચ દિવસમાં થઈ કરોડોની આવક
- ભાદરવામાં યાત્રાધામ અંબાજીમાં પદયાત્રીઓ માટે આજીવન લીંબુ પાણીની વ્યવસ્થા
- ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતમાંથી કુલ 5500 સંઘ અંબાજી દર્શનાર્થે ઉમટ્યાં, આદિજાતિ વિસ્તારના સંઘ તરફથી 224 ધજાઓ