ડીસામાં ધોળા દિવસે હેડલાઈટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ બનાસકાંઠા : રાજ્ય સરકાર દ્વારા હાલમાં દરેક શહેરનો વિકાસ આગળ વધે તે માટે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નેશનલ હાઇવેને જોડતા માર્ગ સુધારવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ જિલ્લાના અનેક નેશનલ હાઇવેને જોડતા માર્ગ બિસ્માર હાલતમાં છે. વાહન ચાલકો અને આજુબાજુ ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ ખરાબ રસ્તાઓના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
શહેર ધુઆ ધુઆ : બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરને જોડતા મુખ્ય નેશનલ હાઈવે પર ડીસા રાજમંદિર સર્કલથી પાલનપુર તરફ જતા રોડનું સમારકામ ચાલી રહ્યું છે. જેથી દસ દિવસ પહેલા આ રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સિમેન્ટ અને કાંકરી પથરી દેવામાં આવી છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ડીસા અને પાલનપુરને જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે હોવાના કારણે અહીંથી રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. વાહનોની અવરજવરથી અહીં મોટા પ્રમાણમાં ધૂળ ઉડતી હોય છે. આ ધૂળના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
અકસ્માતનો ભય : ધૂળના કારણે અહીંથી અવર જવર કરતા નાના વાહનચાલકોને સામેથી આવતું વાહન પણ દેખાતું નથી. જેના કારણે દિવસે પણ અહીંથી પસાર થતા વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખીને પસાર થવું પડે છે. ત્યારે વાહન ચાલકોની માંગ છે કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક ધોરણે હાઇવે ઓથોરિટી દ્વારા આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવે.
દીવા તળે અંધારું :ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેના પરથી મોટા વાહનો પસાર થાય અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા દૂર થાય. પરંતુ એલિવેટેડ બ્રિજના નીચેથી પસાર થતા તમામ રસ્તાઓ ખખડધજ બની ગયા હતા. જેનું હાલમાં સમારકામ ચાલી રહ્યું છે. અહીં અનેક હોટલો આવેલી છે જ્યાં રોજેરોજ અનેક વાહનચાલકો હોટલોમાં જમવા માટે આવતા હોય છે. પરંતુ મોટા પ્રમાણમાં ઉડતી ધૂળના કારણે અહીં હોટલોમાં ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રોડને અડીને જ મોટાભાગની જમવા માટેની હોટલો આવેલી છે. અહીં હોટલ સંચાલકોને પણ મોટું નુકસાન વેચવાનો વારો આવ્યો છે. ત્યારે હોટલ સંચાલકોનું કહેવું છે કે, તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવે. જેથી અમારા ધંધા પર કોઈ માટી અસર પડે નહીં.
આ રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાય છે. જેના કારણે રોડ તૂટી જાય છે અને મસમોટા ખાડા પડે છે. અનેક રજૂઆતો બાદ તાજેતરમાં હાઇવે ઓથોરિટી દ્વારા માત્ર કપજી નાખીને કામ ચલાવી લેવામાં આવ્યું છે. જેના કારણે ધુળ ઉડે છે. આ ધૂળ હોટલ અને દુકાનોમાં પાર્લરમાં જાય છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અહીંથી જે રાહદારીઓ ચાલે છે તેમને મોઢે રૂમાલ બાંધીને પણ ચાલવા મજબૂર બનવું પડે છે. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા સત્વરે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે.-- મોતીભાઈ દેસાઈ (દુકાનદાર)
ધંધા-રોજગારને નુકસાન :રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની ગતિ આગળ વધારવામાં આવી રહી છે ત્યારે વિકાસની વધતી જતી ગતિના સામે આજે લોકોએ પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ડીસા અને પાલનપુર ને જોડતા મુખ્ય નેશનલ હાઇવે પર રોડના સમારકામ દરમિયાન ઊડતી ધૂળના કારણે વાહનચાલકો અને હોટલ સંચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે છેલ્લા દસ દિવસથી વાહન ચાલકો અને હોટલ સંચાલકો દ્વારા આ રોડનું સમારકામ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી જેના કારણે આજે અહીંથી પસાર થતા વાહનચાલકો અને નાના-મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા વ્યાપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે.
નિંદ્રામાં હાઇવે ઓથોરિટી :આ બાબતે હાઇવે ઓથોરિટીને ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા સતત ત્રણ દિવસથી હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવતો નથી. જેના પરથી સાબિત થઈ શકે છે કે, હાઇવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં છે.
- Banaskantha News: સામાજિક કાર્યકરના ગંભીર આક્ષેપ, લોક ઉપયોગી ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ નથી વપરાતી
- Banaskantha News : બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા પાણીના ટીપાં, તંત્ર ક્યારે જાગશે?