ડીસા: બનાસકાંઠામાં પાણીની સમસ્યા છે અને પાણીની તકલીફ નિવારવા માટે આજે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. ડીસાની બનાસ નદીમાં વર્ષોથી બેફામ ખનીજનું ખનન થઈ રહ્યું છે અને જેને લઈને નદીમાં પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે અને જેને લઈને પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેની ચિંતા કરતાં આજે ભારતીય કિસાન સંઘે ડીસા પ્રાંત અધિકારીને બનાસ અને સીપુ નદીમાં આડ બંધ કરી અને પાણી રોકવાની માગણી કરી હતી. તંત્રને નિર્ણય લેવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને 30 દિવસમાં સમસ્યાનો હલ નહીં થાય તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રાંત અધિકારીએ આશ્વવાસન આપ્યું: જિલ્લા તંત્ર પણ સ્વીકારે છે કે બનાસ નદીમાં ખનીજનું બેફામ ખનન થઈ રહ્યું છે અને એ પણ સ્વીકારે છે કે બનાસકાંઠામાં પાણીની સમસ્યા છે. આજે ભારતીય કિસાન સંઘની રજૂઆતને પગલે ડીસા પ્રાંત અધિકારી કલેકટર અને સિંચાઈ વિભાગ સાથે પણ બેઠક કરશે અને આ મહત્વના પ્રશ્નોને લઈને બનાસ નદી અને સીપુ નદીમાં શું કરી શકાય અને પાણીની સમસ્યા કેવી રીતે નિવારી શકાય તથા ભૂગર્ભજળ કેવી રીતે ઊંચા આવે તે બાબતે ચર્ચા કરી અને પાણીની સમસ્યા હલ કરવાના પ્રયત્નો હાથ ધરાશે.
બનાસ નદી અને સીપુ નદીમાં આડ બંધ બનાવવા માંટે આવેદનપત્ર આપવામાં આવેલું હતું. દિવસે દિવસે પાણીની સમસ્યા બનાસકાંઠામાં થોડી વિપરીત થઈ રહેલી છે તેવું એમનું જણાવવાનું હતું. એમના બોર હજાર ફૂટ જેટલા ઊંડા થઈ ગયા છે એટલે એમની અપેક્ષા મુજબ કે નદીમાં આડ બંધ બને અને પાણીના પ્રોપર સ્કીમથી પાણીના તળ ઊંચા આવે તે બાબતોની રજૂઆત હતી. જે બાબતે સરકાર પક્ષે તેમજ અત્રેથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રોપર પ્રયાસો કરી અને ખેડૂતોનો આ પ્રશ્નનો હકારાત્મક નિકાલ લાવવા માટે તત્પર રહીશું...નેહા પંચાલ (ડીસા પ્રાંત અધિકારી)
પંચાયત પાસેથી જમીન લો: ભારતીય કિસાન સંઘે તંત્રને નિર્ણય લેવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને 30 દિવસમાં સમસ્યાનો હલ નહીં થાય તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે કલેકટરને વિનંતી કરતાં જણાવ્યું હતું કે જો ગામ લેવલે સરપંચને ઓર્ડર કરીને પંચાયત પાસેથી જમીન લો તો ત્યાં આગળ સબ સ્ટેશન બની શકે તેમ છે.