- બનાસકાંઠાના વાવના કથાકારે મુખ્યપ્રધાનને ધમકી આપી માગી ખંડણી
- મુખ્યપ્રધાન પાસે એક કરોડની ખંડણી માંગતો વીડિયો વાયરલ કર્યો હતો
- 11 દિવસમાં 1 કરોડ નહીં આપે તો અકસ્માત કરાવી મોત નિપજાવશે- કથાકાર
- પટેલો પાસેથી મુખ્યમંત્રીની ગાદી છીનવી લેવાની ધમકી પણ આપી હતી
બનાસકાંઠા- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં વાવના મહેશ ભગત ઉર્ફે બટુક મોરારિ નામથી ઓળખાતા કથાકારે ખંડણી ( Case of Threats to CM Bhupendra Patel ) માગી છે. વિડીયોમાં 11 દિવસની અંદર એટલે કે આગામી 7 તારીખ સુધી મુખ્યપ્રધાન કોઈપણ વ્યક્તિ મારફતે એક કરોડ રૂપિયા નહીં પહોંચાડે તો મુખ્યપ્રધાનનું અકસ્માતમાં મોત નિપજાવી દેશે અને ગુજરાતની ગાદી પટેલો પાસેથી છીનવાઈ જશે તેવી ધમકી આપી હતી.
વિડીઓમાં પોતાની ઓળખ પણ આપી હતી
ધમકી આપનાર કથાકારે વિડિયોમાં પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ આ મોબાઈલ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી.
એલ.સી.બી પોલીસ દ્વારા અટકાયત કરાઈ
ગુજરાતના સીએમને ધમકી આપનાર કથાકારનો વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. જે બાદ બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કથાકારની અટકાયત કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે અંગત બાતમીના આધારે ધમકી આપનાર કથાકારની રેવદરના તાતંન ગામ પાસેથી અટકાયત ( Banaskantha Mahant Batuk Morari Bapu arrested ) કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ અને વાવ થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનથી આ સફળતા મળી હતી. હાલ બટુક મોરારિને એલસીબી પોલીસે અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો છે.