બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન દરમિયાન 4 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વિવિધ શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે. નહેરો મારફતે પિયત માટે નર્મદાનું પાણી આપવામાં આવતાં હાલમાં ખેતીપાકોમાં ખેડૂતોએ પિયતનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ઘઉં, રાયડો, જીરૂ, બટાટા, રજકો અને શાકભાજીના પાકમાં ખાતરનો છંટકાવ શરૂ કર્યો હોવાથી વિવિધ વિસ્તારોમાં એક સાથે યુરિયા ખાતરની માગ ઉભી થઇ છે.
જેના પગલે સંઘો અને મંડળીઓ પર છેલ્લા 10 દિવસથી યુરિયા ખાતરની અછત ઉભી થઈ છે. ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે ડીસા, પાલનપુર, થરાદ સહિતના શહેરોમાં આંટાફેરા મારી રહ્યાં છે. પરંતુ તેમને પૂરતો ખાતરનો જથ્થો મળતો નથી. ડીસા પંથકમાં છેલ્લા 10 દિવસથી યુરિયા ખાતરની અછત ઉભી થઈ છે. જેથી યુરિયા ખાતર ન મળતા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછતથી નુકસાન થવાની સંભાવના ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે શહેરોમાં ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ યુરિયા ખાતર ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. યુરિયાની અછત સર્જાતા જ હવે બટાટા, જીરુ, એરંડા જેવા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે આ અંગે વેપારી રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, હાલમાં યુરિયા ખાતરની એક સાથે માગ ઉભી થઈ છે જેથી અછતની સ્થિતિ છે.
બનાસકાંઠા જિલ્લામાં પાંચ હજાર ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે. પરંતુ છેલ્લા દસ દિવસથી અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને જો બે ત્રણ દિવસમાં જ યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે સરકાર બનાસકાંઠા જિલ્લામાં વારંવાર નુકસાન થતાં ખેડૂતોની વહારે આવી યુરિયા ખાતરની છૂટ થાય તેવા પ્રયાસો કરે તેવી ખેડૂતોની માગ છે.