બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 12 દિવસથી તીડ આતંક મચાવી રહ્યા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી તો રાજસ્થાનના ઝાલોરમાંથી આવેલા તીડના મોટા ઝુંડોએ થરાદના નારોલી ,રડકા, અંત્રોલી સહિતના ગામોમાં આતંક મચાવતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, જ્યારે હાલમાં આ તીડનું મોટું ઝુંડ 10 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે માટે કેન્દ્ર સરકાર ,રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દિવસ રાત મહેનત કરી રહ્યું છે.
જેમાં કેન્દ્ર સરકાર દ્વારા દવા છાંટવા માટે 19 વાહનો છે. સાથે સાથે સ્થાનિક ખેડૂતોના સહયોગથી 35 જેટલા ટ્રેકટર પર દવાઓના પમ્પ બાંધી તીડ પર દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે, જોકે સતત દવાના છંટકાવના કારણે હવે તીડ રાજસ્થાન તરફ વળ્યા હોવાનું પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. સતત તીડ ના આક્રમણના કારણે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના 14 માંથી 11 તાલુકાના 95 જેટલા ગામોને તેની અસર થઇ છે અને તીડના ઝુંડો એ છ હજાર હેક્ટર જમીનના પાકને નુકસાન પહોંચાડયું છે, જોકે આ મામલે નુકસાનીનો સરવે શરૂ કરી સરકારના ધારાધોરણ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવશે.