બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદીમાંથી અવારનવાર ગેરકાયદેસર ખનન થતું હોવાના કારણે જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા આવા ભૂમાફિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે ભૂમાફિયાઓ દ્વારા નદીઓને છોડી અન્ય જગ્યાએથી ગેરકાયદેસર માટી ખોદી લઈ જવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા: દમા ગામ નજીક ગેરકાયદે ખનન ઝડપાયું
બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમે ફરી એક વાર મોટું ઓપરેશન પાર પાડયું છે. જેમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ડમ્પર અને હિટાચી મશીન સહિત એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીને કારણે અન્ય ભૂમાફિયાઓમાં ગભરાટ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ડીસાના દામા ગામે ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની માહિતી મળતા જ જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં શુક્રવાર મોડી સાંજે ગેરકાયદેસર ખનનનું મોટું કૌભાંડ ઝડપી પાડી મેગા ઓપરેશન પાર પાડયું છે. જેમાં એક હિટાચી મશીન અને 4 ડમ્પર જપ્ત કર્યા છે.
ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનનના ઉપયોગમાં લેવાતા એક કરોડ રૂપિયાના વાહનો જપ્ત કર્યા છે. જ્યારે ઘટના સ્થળે જમીનની માપણી પણ શરૂ કરી છે. આ સાથે ભૂસ્તર વિભાગે વાહન માલિકોને 7.70 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.